અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 1 ઓક્ટોબરથી ઓલા, ઉબેર જેવી કોમર્શિયલ ટેક્સી માટે નવા ચાર્જ લાગુ થયા છે. એરપોર્ટ ઓથોરિટીએ યલો-પ્લેટ વાહનો માટે ડ્રોપ-ઑફના 50 રૂપિયા અને પિક-અપના 200 રૂપિયાનો નવો ચાર્જ નક્કી કર્યો છે. ડ્રાઇવરો આ રકમ સીધી મુસાફરો પાસેથી વસૂલશે.
અત્યારે આ નવો ટેક્સ કેબ કંપનીઓના એપ-ભાડામાં ઉમેરવામાં આવ્યો નથી. તેથી ડ્રાઇવરો મુસાફરો પાસેથી અલગથી આ રકમ લેશે. પરિણામે એરપોર્ટ જવાનો અથવા ત્યાંથી આવવાનો કુલ ખર્ચ વધશે.
એરપોર્ટ ઓથોરિટીએ ટેક્સી પાર્કિંગનું સ્થળ પણ બદલ્યું છે. અત્યાર સુધી આ ટેક્સીઓ ઇન્ટરનેશનલ ટર્મિનલ 2 (T2) નજીક પાર્ક થતી હતી. હવે તમામ ટેક્સી ઓપરેટરોએ એરપોર્ટ સર્કલ પાસે આવેલી હોટેલ ઉમેદ નજીકના નવા પાર્કિંગ વિસ્તારનો ઉપયોગ કરવો પડશે.
નવા પાર્કિંગ દર મુજબ, ટર્મિનલ 1 (T1) ખાતે આવતી ખાનગી કારને પહેલી 8 મિનિટ માટે ફ્રી પિક-અપ મળશે. ત્યારબાદ 8થી 30 મિનિટ માટે 150 રૂપિયા અને 30થી 60 મિનિટ માટે 200 રૂપિયા ચૂકવવા પડશે. કોમર્શિયલ કાર માટે T1 પર પ્રથમ 8 મિનિટનો ચાર્જ 150થી વધારીને 200 રૂપિયા કરાયો છે, જ્યારે 30થી 60 મિનિટ રોકાવા પર 300 રૂપિયા ચૂકવવા પડશે. ટર્મિનલ 2 (T2) પર પણ કેબ માટે 200 રૂપિયા પિક-અપ અને 50 રૂપિયા ડ્રોપ-ઑફ ચાર્જ નક્કી કરાયો છે. વાહન નિયત સમય કરતાં વધુ રોકાશે તો ચાર્જ વધશે.
એરપોર્ટના જાહેર સંપર્ક અધિકારી (PRO) અનુસાર, કોમર્શિયલ વાહનો માટે એરપોર્ટ પ્રવેશ શુલ્ક ભારતના મોટા એરપોર્ટ પર પહેલેથી અમલમાં છે. એરપોર્ટ ઓપરેટરો લેન્ડસાઇડ સુવિધાઓના વિકાસ, જાળવણી અને સુરક્ષા માટે ખર્ચ કરે છે. આ ઉપરાંત સુરક્ષા વ્યવસ્થા, વીજ પુરવઠો, માળખાકીય જાળવણી અને ટ્રાફિક મેનેજમેન્ટ પર ખર્ચ થાય છે. મુસાફરોને મૂકવા કે લેવા આવતા ડ્રાઇવરો અને મુલાકાતીઓ માટે સ્વચ્છતા સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાય છે. આ જ સંદર્ભમાં અમદાવાદ એરપોર્ટ પર કોમર્શિયલ વાહનો માટે પ્રવેશ શુલ્ક લાગુ કરાયો છે.
એરપોર્ટ ખાતે ટેક્સી ડ્રાઇવરો માટે પ્યુરીફાઇડ પીવાનું પાણી, રેસ્ટિંગ ઝોન, વોશરૂમ, કેન્ટીન તેમજ 24/7 સિક્યુરિટી અને CCTV સર્વેલન્સની સુવિધા ઉપલબ્ધ છે.