અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ (SVPI) એરપોર્ટ પરથી કેબ કે ટેક્સીમાં આવતા-જતા મુસાફરોને હવે વધુ ખર્ચ કરવો પડશે. એરપોર્ટ ઓપરેટરે ગુરુવાર (1 ઓક્ટોબર)થી ડ્રોપ-ઓફ માટે ₹50 અને પિક-અપ માટે ₹200 નો નવો ચાર્જ લાગુ કર્યો છે. આ નિયમ Ola, Uber, Rapido, Bharat Taxi સહિત તમામ પીળી નંબર પ્લેટવાળી કોમર્શિયલ ટેક્સીઓ પર લાગુ થશે.
હાલમાં આ ચાર્જ કેબ એગ્રીગેટર એપ્સના ઓનલાઇન ભાડામાં સીધો જોડાયેલો નથી. તેથી ડ્રાઇવરો મુસાફરો પાસેથી ₹50 નો ડ્રોપ ચાર્જ અલગથી વસૂલે તેવી શક્યતા છે. આ ઉપરાંત એરપોર્ટ તંત્રએ ટેક્સી પાર્કિંગનું સ્થળ પણ બદલ્યું છે. પહેલા આ પાર્કિંગ ઇન્ટરનેશનલ ટર્મિનલ 2 (T2) ની નજીક હતું, જે હવે હોટેલ ઉમેદ પાસે, એરપોર્ટ સર્કલ નજીક ખસેડવામાં આવ્યું છે. હવેથી ટેક્સી ઓપરેટરોએ મુસાફરોની રાહ જોવા કે પાર્ક કરવા માટે આ નવા સ્થળનો ઉપયોગ કરવો પડશે.
એરપોર્ટ ઓપરેટરનું કહેવું છે કે કેબ ડ્રાઇવરો માટે શુદ્ધ પીવાનું પાણી, એર-કન્ડિશન્ડ રેસ્ટિંગ ઝોન, શૌચાલય, કેન્ટીન અને 24/7 સીસીટીવી સર્વેલન્સ જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. ઓપરેટરે એમ પણ કહ્યું કે કોલકાતા અને તિરુપતિ જેવા એરપોર્ટ પર ડ્રોપ-ઓફ માટે ₹100 વસૂલાય છે, જ્યારે અમદાવાદમાં માત્ર ₹50 નો દર રાખવામાં આવ્યો છે.
જોકે, ટેક્સી ડ્રાઇવરો અને મુસાફરોમાં આ નિર્ણય સામે રોષ છે. ડ્રાઇવરો માટે આ નવો ખર્ચ પરિવારનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી ઊભી કરશે, તો ફ્લાઇટ પકડવા નીકળતા સામાન્ય મુસાફરોના ખિસ્સા પર સીધો બોજ પડશે. સરકાર મોંઘવારી અંકુશમાં હોવાના દાવા કરે છે, પરંતુ દરેક સ્તરે નવા ચાર્જ વધતા લોકોમાં સવાલ ઊઠી રહ્યો છે કે શું આ દાવા માત્ર ભાષણો પૂરતા સીમિત છે.