અમદાવાદમાં વહેલી સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હવાઈ સેવાઓ પર અસર પડી છે. ખરાબ હવામાનના કારણે કોલકાતાથી અમદાવાદ આવતી ઈન્ડિગોની ફ્લાઈટને ઈન્દોર ડાયવર્ટ કરવી પડી હતી.
એરપોર્ટ પર આવતી-જતી ફ્લાઈટ્સમાં વિલંબ થયો હતો. કોલકાતાથી આવતી ઈન્ડિગોની ફ્લાઈટ (6E 245) સવારે 8:40ના બદલે 10:58 વાગ્યે ટર્મિનલ-1 પર લેન્ડ થઈ હતી.
નવી દિલ્હીથી આવતી ઈન્ડિગોની બે ફ્લાઈટ્સ (6E 907 અને 6E 2331) પણ અનુક્રમે સવારે 11:54 વાગ્યે અને બપોરે 2:36 વાગ્યે પહોંચી હતી.
અમદાવાદથી નવી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટ (6E 5072) બપોરે 2:35ના બદલે 3:20 વાગ્યે ટર્મિનલ-1ના ગેટ નંબર 3 પરથી ટેકઓફ થઈ હતી.
હવામાનની પ્રતિકૂળ સ્થિતિને ધ્યાનમાં રાખીને એરપોર્ટ તંત્રએ મુસાફરોને અગવડતાથી બચવા માટે એરપોર્ટ પહોંચતા પહેલા સંબંધિત એરલાઈન્સ પાસેથી પોતાની ફ્લાઈટનું લાઈવ સ્ટેટસ ચકાસી લેવાની સલાહ આપી છે.