સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ એરપોર્ટ પર સુરતના મુસાફર પાસેથી 973 ગ્રામ હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો

અમદાવાદ એરપોર્ટ પર સુરતના મુસાફર પાસેથી 973 ગ્રામ હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU)એ એક મોટી કાર્યવાહીમાં બેંગકોકથી આવેલા સુરતના એક મુસાફરની ધરપકડ કરી છે. આ મુસાફર પાસેથી 973.23 ગ્રામ હાઇડ્રોપોનિક ગાંજો (મેરિજુઆના) જપ્ત કરવામાં આવ્યો છે. નશીલો પદાર્થ ‘ડિહાઇડ્રેટેડ ગુઆવા’ (સુકા જામફળ) લખેલા 30 નાના પેકેટોમાં છુપાવીને લાવવામાં આવ્યો હતો.

મળેલી માહિતી અનુસાર, 29 સપ્ટેમ્બરના રોજ બેંગકોકથી ફ્લાઇટ નંબર TG 343 દ્વારા આ મુસાફર અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યો હતો. કસ્ટમ્સ અધિકારીઓએ APIS (એડવાન્સ્ડ પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ) પ્રોફાઇલિંગના આધારે તેના પર શંકા જતાં તેને રોકીને ઝડપી પાડ્યો હતો. તેની કેબિન બેગેજમાં રહેલી પેપર કેરી બેગની તપાસ કરતાં તેમાંથી બે મોટા પ્લાસ્ટિક પેકેટ મળ્યા હતા. આ પેકેટોની અંદર 30 નાના પેકેટ છુપાવવામાં આવ્યા હતા, જેના પર ભ્રામક રીતે ‘Dehydrated Guava’ લખેલું હતું.

કસ્ટમ્સની ટીમે શંકાસ્પદ પેકેટો ખોલીને જોતાં તેમાંથી લીલા રંગનો પદાર્થ મળી આવ્યો હતો. NDPS (નોર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ) ફિલ્ડ ટેસ્ટ કિટ દ્વારા કરાયેલા પ્રાથમિક પરીક્ષણમાં આ પદાર્થ ઉચ્ચ ગુણવત્તાનો હાઇડ્રોપોનિક ગાંજો હોવાનું પુરવાર થયું છે. જપ્ત કરાયેલા સમગ્ર મુદ્દામાલનું વજન 973.23 ગ્રામ નોંધાયું છે.

કસ્ટમ્સ વિભાગે NDPS Act, 1985ની કડક જોગવાઈઓ હેઠળ ગુનો નોંધીને મુસાફરની ધરપકડ કરી છે. આ રેકેટમાં અન્ય કોણ સામેલ છે અને આ જથ્થો કોને ડિલિવર કરવાનો હતો, તે અંગે કસ્ટમ્સે વધુ તપાસ શરૂ કરી છે.