અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે મોટી કાર્યવાહી કરતાં રૂ. 5 કરોડની કિંમતનો હાઈડ્રોપોનિક ગાંજો ઝડપી પાડ્યો છે. વિયેતનામથી આવેલા મુંબઈના એક યાત્રી પાસેથી કુલ 5,519.7 ગ્રામ હાઈડ્રોપોનિક ગાંજો મળી આવ્યો હતો.
પ્રાથમિક માહિતી અનુસાર, આરોપીએ ગાંજાને કૂકીઝના બોક્સ અને કોર્ન ફ્લેક્સના પેકેટમાં છુપાવ્યો હતો. કસ્ટમ વિભાગે શંકાના આધારે સામાનની તપાસ કરતાં ગાંજો મળી આવ્યો હતો. તપાસ દરમિયાન ગાંજાના કુલ 24 પેકેટ મળી આવ્યા હતા.
કસ્ટમ વિભાગે જથ્થો જપ્ત કરીને યાત્રીની ધરપકડ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. વિયેતનામથી અમદાવાદ પહોંચેલા આ યાત્રીનો સંબંધ મુંબઈ સાથે હોવાનું સામે આવ્યું છે.
ગાંજાનો આટલો મોટો જથ્થો ક્યાં પહોંચાડવાનો હતો અને આ સમગ્ર નેટવર્કમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં, તે અંગે કસ્ટમ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અમદાવાદ એરપોર્ટ પર વિદેશથી આવતા મુસાફરોના સામાનની તપાસ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી છે.
5.5 કિલોથી વધુ હાઈડ્રોપોનિક ગાંજો ઝડપાતા સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ થઈ છે. આ મામલે કસ્ટમ વિભાગે જપ્ત કરાયેલા નશીલા પદાર્થનો કબજો લઈ આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
અધિકારીઓ દ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે, જેમાં ગાંજો ક્યાંથી મેળવવામાં આવ્યો હતો, કોના કહેવા પર લાવવામાં આવ્યો હતો અને તેને ક્યાં પહોંચાડવાનો હતો તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે. સમગ્ર નેટવર્ક અંગે માહિતી મેળવવા માટે તપાસનો દોર આગળ વધારવામાં આવ્યો છે.