દિવાળીના તહેવારો દરમિયાન અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ (SVPI) એરપોર્ટ પર મુસાફરોની ભીડ વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને એરપોર્ટ પ્રશાસને પેસેન્જર એડવાઈઝરી જાહેર કરી છે. એરપોર્ટ તરફ જતા રસ્તાઓ પર ટ્રાફિક જામ થઈ શકે છે અને ચેક-ઇન તથા સિક્યોરિટી ચેકિંગમાં સમય લાગી શકે છે, તેથી મુસાફરોને તેમના નિર્ધારિત સમય કરતાં વહેલા એરપોર્ટ પહોંચવાની સલાહ આપવામાં આવી છે.
એરપોર્ટ સત્તાધીશોના જણાવ્યા મુજબ, તહેવારોની સીઝનમાં ખરીદી માટે શહેરના મુખ્ય બજારો અને રસ્તાઓ પર ભારે ભીડ જોવા મળે છે. પીક અવર્સ દરમિયાન એરપોર્ટ જતા રસ્તાઓ પર ટ્રાફિક જામની શક્યતા રહે છે. આથી મુસાફરોએ ઘરેથી નીકળતી વખતે પૂરતો વધારાનો સમય ધ્યાનમાં રાખવો જોઈએ, જેથી ફ્લાઇટ છૂટી ન જાય.
એરપોર્ટ પ્રશાસને મુસાફરોને તેમની ફ્લાઇટના તાજેતરના શિડ્યુલ અને રિયલ-ટાઇમ અપડેટ્સ માટે સંબંધિત એરલાઇન્સનો સીધો સંપર્ક કરવા જણાવ્યું છે. સાથે જ તમામ મુસાફરો પાસે સહયોગની અપીલ કરવામાં આવી છે, જેથી મુસાફરી સુરક્ષિત અને સુગમ બની રહે.
SVPI એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું કે, “દિવાળીના તહેવારો દરમિયાન મુસાફરોનો ધસારો વધવાની શક્યતા હોય છે, તેથી તમામ મુસાફરો સમયસર એરપોર્ટ પહોંચે જેથી સુરક્ષા તપાસ યોગ્ય રીતે પૂર્ણ થઈ શકે.”