અમદાવાદના એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે ડ્રગ્સની હેરાફેરીનો વધુ એક મોટો પર્દાફાશ કર્યો છે. એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU)એ વિયેતનામથી અમદાવાદ આવેલા મુંબઈના એક મુસાફરની હેન્ડ બેગેજમાંથી 5.5 કિલોગ્રામથી વધુ હાઈડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા ગાંજાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે રૂ. 5.5 કરોડ હોવાનું સામે આવ્યું છે.
કસ્ટમ્સ અધિકારીઓના જણાવ્યા મુજબ, મુસાફર હો ચી મિન્હ સિટીથી વિયેટજેટ એરલાઈન્સની ફ્લાઈટ VJ-1805 મારફતે અમદાવાદ પહોંચ્યો હતો. પેસેન્જર પ્રોફાઇલિંગ અને હેન્ડ બેગેજના એક્સ-રે સ્ક્રીનિંગ દરમિયાન AIUના અધિકારીઓને બેગમાં શંકાસ્પદ સામગ્રી હોવાની આશંકા થઈ હતી. ત્યારબાદ બેગની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન અધિકારીઓને એલ્યુમિનિયમ ફોઇલમાં વીંટાળેલા કુલ 24 પેકેટ મળી આવ્યા હતા. આ પેકેટોમાં લીલા રંગનો પદાર્થ હતો. આરોપીએ કસ્ટમ્સની નજરથી બચવા માટે આ પેકેટોને ત્રણ કૂકીઝના બોક્સ અને એક કોર્ન ફ્લેક્સના પેકેટની અંદર છુપાવ્યા હતા. પેકેટોમાંથી મળેલા પદાર્થનું NDPS ફિલ્ડ ટેસ્ટિંગ કિટથી પ્રાથમિક પરીક્ષણ કરતાં તે ગાંજો હોવાનું પુષ્ટિ થયું છે. કુલ જથ્થો 5,519.7 ગ્રામ એટલે કે આશરે 5.5 કિલોગ્રામ નોંધાયો હતો.
કસ્ટમ્સ વિભાગે ગાંજાનો જથ્થો નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સિસ (NDPS) એક્ટ, 1985ની સંબંધિત જોગવાઈઓ હેઠળ જપ્ત કરી મુસાફરની ધરપકડ કરી છે. હવે તપાસ એ દિશામાં ચાલી રહી છે કે આ હાઈડ્રોપોનિક ગાંજો ક્યાં પહોંચાડવાનો હતો અને તેની પાછળ કોઈ મોટું આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક સંકળાયેલું છે કે નહીં.
નોંધનીય છે કે અમદાવાદ એરપોર્ટ પર તાજેતરના દિવસોમાં હાઈડ્રોપોનિક ગાંજાની હેરાફેરીના અનેક કેસ સામે આવ્યા છે. 31 ઓગસ્ટે પણ વિયેતનામથી આવેલી એક મહિલા મુસાફર પાસેથી આશરે 6.07 કિલોગ્રામ હાઈડ્રોપોનિક ગાંજો ઝડપાયો હતો. ત્યારબાદ 2 સપ્ટેમ્બરે પણ હો ચી મિન્હ સિટીથી આવેલા મુસાફર પાસેથી 6.07 કિલોગ્રામનો જથ્થો ઝડપાયો હોવાના અહેવાલો સામે આવ્યા હતા.