અમદાવાદમાં દિવાળીના તહેવારો દરમિયાન ફટાકડા ફોડવાને કારણે હવાની ગુણવત્તા ચિંતાજનક સ્તરે પહોંચી છે. મોડી રાત્રે 11 વાગ્યા પછી શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 240ને પાર ગયો હતો, જ્યારે સવારે 8 વાગ્યે સરેરાશ AQI 169 નોંધાયો હતો. જોકે, શહેરના ઘણા વિસ્તારોમાં હજુ પણ AQI 200થી ઉપર છે.
થલતેજમાં સૌથી વધુ 254 AQI નોંધાયો છે. શાંતિગ્રામમાં 226, સોલા સ્ટેશન વિસ્તારમાં 222, હેબતપુરમાં 204 અને ગોતામાં 203 AQI રહ્યો છે. ફટાકડાના ધુમાડાથી ઘણા વિસ્તારોમાં વિઝિબિલિટી ઘટી છે.
પ્રદૂષિત હવા સ્વાસ્થ્ય માટે જોખમી છે. ખાસ કરીને શ્વાસની તકલીફ ધરાવતા લોકો, બાળકો અને વૃદ્ધોએ સાવચેતી રાખવી જરૂરી છે. AQI 200થી ઉપર જવાથી શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા અને અન્ય સમસ્યાઓ થઈ શકે છે. નાગરિકો ચિંતિત છે અને પ્રદૂષણ નિયંત્રણ માટે પગલાંની માંગ કરી રહ્યા છે.