સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં હવા પ્રદૂષણ: 303 દિવસમાં એક પણ દિવસ શુદ્ધ હવા નહીં, 70 દિવસ અત્યંત હાનિકારક

અમદાવાદમાં હવા પ્રદૂષણ: 303 દિવસમાં એક પણ દિવસ શુદ્ધ હવા નહીં, 70 દિવસ અત્યંત હાનિકારક

અમદાવાદમાં હવા પ્રદૂષણ ચિંતાજનક સ્તરે પહોંચ્યું છે. 2026ના ઓક્ટોબર સુધીના 303 દિવસમાંથી 179 દિવસ હવાની ગુણવત્તા 'મધ્યમ' કક્ષાની રહી, જ્યારે 70 દિવસ હવા 'આરોગ્ય માટે અત્યંત હાનિકારક' નોંધાઈ. એક પણ દિવસ શુદ્ધ હવા નથી મળી. ઔદ્યોગિક એકમોનો ધુમાડો, રોડ-રસ્તાની ધૂળ, બાંધકામ અને પીરાણા ડમ્પિંગ સાઇટના કચરાના પહાડોને કારણે શહેરની હવા ઝેરી બની છે.

એક તરફ 'પ્રદૂષણ મુક્ત અમદાવાદ'ના દાવા કરવામાં આવી રહ્યા છે અને પ્રદૂષણ નાબૂદીના નામે કરોડો રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ વાસ્તવિકતા વિપરીત છે. શહેરના ઔદ્યોગિક એકમોની ચીમનીઓમાંથી રાત્રે બેરોકટોક કાળો ધુમાડો છોડવામાં આવે છે. ચોમાસામાં ધોવાયેલા રસ્તાઓનું સમારકામ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ધીમી ગતિએ કરવામાં આવતું હોવાથી હવામાં ધૂળ ઉડે છે. નવા બાંધકામ અને પીરાણા ડમ્પિંગ સાઇટના કચરાના પહાડો પણ હવામાં ઝેરી રજકણો વધારે છે.

અહેવાલ મુજબ, મે-જૂનમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 72થી 75ની આસપાસ સામાન્ય હતો, પરંતુ ઓક્ટોબર આવતાં જ તે 150ને પાર પહોંચી ગયો છે. શિયાળાની શરૂઆત અને દિવાળી નજીક આવતાં પ્રદૂષણ વધુ ભયાનક સ્તરે પહોંચવાની આશંકા છે. સરકારી દાવા અને જમીની વાસ્તવિકતા વચ્ચેનો આ તફાવત અમદાવાદીઓના સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો બની ગયો છે.