સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં દિવાળી પહેલાં હવા ઝેરી, બોપલ-ઘુમામાં AQI 200 પાર

અમદાવાદમાં દિવાળી પહેલાં હવા ઝેરી, બોપલ-ઘુમામાં AQI 200 પાર

અમદાવાદમાં પ્રદૂષણમુક્ત શહેરના દાવા વચ્ચે દિવાળી પહેલાં હવાની ગુણવત્તા ચિંતાજનક સ્તરે પહોંચી છે. શહેરના દક્ષિણ બોપલ, બોપલ અને ઘુમા વિસ્તારમાં હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 200ને પાર નીકળી ગયો છે. આ વિસ્તારોમાં બાંધકામની પ્રવૃત્તિઓ વધુ હોવા ઉપરાંત દિવાળીના ફટાકડાના કારણે પણ હવાની ગુણવત્તા નીચે આવી છે.

બોપલમાં AQI 221, ઘુમામાં 212 અને સાઉથ બોપલના વિવિધ સ્ટેશનો પર 216થી 237 સુધી AQI નોંધાયો છે.

દેશની રાજધાની દિલ્હી-એનસીઆરમાં પણ દિવાળી પહેલાં પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચ્યું છે. વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન આયોગ (CAQM)એ GRAP-3 હેઠળના પ્રતિબંધો લાગુ કર્યા છે. શુક્રવારે દિલ્હીમાં સરેરાશ AQI 382 નોંધાયો હતો, જે 'ગંભીર' શ્રેણીની નજીક છે. 38 મોનિટરિંગ કેન્દ્રોમાંથી 26 પર હવાની ગુણવત્તા 'ગંભીર' અને 31 પર 'ખૂબ જ ખરાબ' રહી હતી. પંજાબી બાગમાં 453, જહાંગીરપુરીમાં 447 અને રોહિણીમાં 444 AQI નોંધાયો હતો.

GRAP-3 હેઠળ સમગ્ર NCRમાં ધૂળ ફેલાવતી બાંધકામ અને તોડફોડ પર પ્રતિબંધ મૂકાયો છે. સરકારી અને ખાનગી કચેરીઓમાં 50 ટકા કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ લાગુ કરવા રાજ્ય સરકારોને સૂચના આપાઈ છે.

IITM પુણેની આગાહી મુજબ 7થી 9 નવેમ્બર સુધી દિલ્હીની હવા 'ગંભીર' શ્રેણીમાં રહી શકે છે. પવનની ધીમી ગતિને કારણે પ્રદૂષિત કણો જમીનની નજીક જમા થઈ રહ્યા છે. વાહનોનો ધુમાડો, પરાળી અને ફટાકડા સ્થિતિને વધુ ગંભીર બનાવી શકે છે. દિલ્હીની હવામાં PM 2.5 મુખ્ય પ્રદૂષક છે, જે ફેફસાં સુધી પહોંચીને સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી કરી શકે છે.