કેન્દ્ર સરકારે બુધવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે ગત વર્ષે જૂન 2025માં થયેલા એર ઈન્ડિયા અમદાવાદ વિમાન દુર્ઘટના (AI-171)ના તપાસ રિપોર્ટનો ડ્રાફ્ટ આગામી બે-ત્રણ અઠવાડિયામાં ફાઇનલ થવાની આશા છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને ખાતરી આપી કે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) આ ડ્રાફ્ટને ફાઇનલ કરવાના અંતિમ તબક્કામાં છે.
આ આશ્વાસન ત્યારે આવ્યું જ્યારે અરજદારોએ તપાસમાં થઈ રહેલા વિલંબ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કોર્ટને જણાવ્યું કે ઓક્ટોબર 2026 સુધીમાં પણ રિપોર્ટ ફાઇનલ થઈ શક્યો નથી. જૂન 2026માં દાખલ કરાયેલા સોગંદનામામાં AAIBએ કહ્યું હતું કે ડ્રાફ્ટ રિપોર્ટ ઓક્ટોબર 2026 સુધીમાં ફાઇનલ થવાની આશા છે, પરંતુ તે સમયમર્યાદા વીતી ગઈ છે.
અરજદારોની ચિંતાઓનો જવાબ આપતા સરકારે કહ્યું કે રિપોર્ટમાં જાણીજોઈને વિલંબ કરવાનું કોઈ કારણ નથી. તપાસ નિર્ધારિત પ્રોટોકોલ મુજબ જ પૂર્ણ કરવાની હોય છે. સોલિસિટર જનરલે ગ્લોબલ પ્રોટોકોલના પાલનની જરૂરિયાતનો ઉલ્લેખ કર્યો.
અરજદાર તરફથી વકીલ પ્રશાંત ભૂષણે મુખ્ય ન્યાયાધીશ સૂર્ય કાંતની અધ્યક્ષતાવાળી બેન્ચને જણાવ્યું કે તપાસ રિપોર્ટ હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી અને વહેલી સુનાવણીની માંગ કરી. કોર્ટે સંકેત આપ્યો કે આ મામલે બે અઠવાડિયા બાદ સુનાવણી થશે.
ઉલ્લેખનીય છે કે 12 જૂન 2025ના રોજ અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાની ગણતરીની સેકન્ડો બાદ લંડનના ગેટવિક જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-171 દુર્ઘટનાનો શિકાર બની હતી. બોઇંગ 787 વિમાનમાં 229 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બર સવાર હતા. વિમાન મેડિકલ વિદ્યાર્થીઓની હોસ્ટેલ પર ક્રેશ થયું હતું, જેમાં જમીન પરના 19 લોકો સહિત કુલ 260 લોકોના મોત થયા હતા. એક મુસાફર સુરક્ષિત બચી ગયો હતો. રનવે પરથી ઉડાન ભર્યાની 32 સેકન્ડ બાદ વિમાને થ્રસ્ટ ગુમાવ્યો હતો. આ ભારતની સૌથી ભયાનક વિમાન દુર્ઘટનાઓમાંની એક છે.
દુર્ઘટના બાદ AAIBએ તપાસ શરૂ કરી હતી, પરંતુ તપાસની પ્રગતિ અને પારદર્શિતા પર સવાલો ઉઠ્યા છે. મૃતકોના પરિજનોએ સોગંદનામા સામે રિપોર્ટ સાર્વજનિક કરવાની માંગ કરી છે. રિપોર્ટ ફાઇનલ થવો એ પીડિત પરિવારો માટે મહત્વપૂર્ણ છે.