સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં AI થી બોગસ રેલવે ટિકિટ બનાવવાનું રેકેટ ઝડપાયું, ત્રણ ઝડપાયા

અમદાવાદમાં AI થી બોગસ રેલવે ટિકિટ બનાવવાનું રેકેટ ઝડપાયું, ત્રણ ઝડપાયા

અમદાવાદમાં પશ્ચિમ રેલવેના ટિકિટ ચેકિંગ સ્ટાફની સતર્કતાથી નકલી રેલવે ટિકિટ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ગૂગલ AI એપ્લિકેશનનો ઉપયોગ કરીને બોગસ ટિકિટ બનાવીને મુસાફરી કરતા બે શખ્સો અને ટિકિટ બનાવનાર મુખ્ય સૂત્રધાર સહિત કુલ ત્રણ આરોપીઓને ઝડપી જેલ હવાલે કરવામાં આવ્યા છે.

આ ઘટના 15 ઓક્ટોબરના રોજ બની હતી, જ્યારે ટ્રેન નંબર 11463 વેરાવળ–જબલપુર એક્સપ્રેસ વાંકાનેર જંક્શન સ્ટેશનેથી ઉપડી હતી. ડ્યુટી પર તૈનાત મુખ્ય ટિકિટ નિરીક્ષક (CTI) નિયમિત ટિકિટ તપાસ કરી રહ્યા હતા. આ દરમિયાન કોચ H-1 અને S-1ના કોરિડોરમાં ઊભેલા બે મુસાફરો પાસે ટિકિટ માંગતા તેઓએ પોતાના મોબાઇલમાં માસિક સીઝન ટિકિટ (MST) તથા મુસાફરી ટિકિટ બતાવી હતી.

ટિકિટમાં ભારત સરકારનું નામ, રેલવેનો સત્તાવાર લોગો અને સિક્કા શંકાસ્પદ જણાતાં CTIએ તાત્કાલિક કમર્શિયલ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. ટ્રેન સુરેન્દ્રનગર સ્ટેશને પહોંચતાં જ બંને મુસાફરોને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ને સોંપી દેવામાં આવ્યા હતા.

આ મામલે વરિશ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકના માર્ગદર્શન હેઠળ રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 336(3), 340(2), 54 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસની સર્વેલન્સ ટીમે હાથ ધરેલી તપાસમાં સામે આવ્યું કે પકડાયેલા મુસાફરો પાસે મળેલી નકલી ટિકિટ ગોંડલ ખાતે રહેતા મનમોહન નામના શખ્સે ગૂગલ AI એપ્લિકેશનનો ઉપયોગ કરીને બનાવી હતી. તેણે આ નકલી ટિકિટ પોતાના મોબાઇલમાંથી વોટ્સએપ મારફતે મિત્રને મોકલી હતી, જેનો મુસાફરીમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.

રાજકોટ રેલવે પોલીસની સર્વેલન્સ ટીમે બાતમીના આધારે ગણતરીના કલાકોમાં મુખ્ય કાવતરાખોર મનમોહનને ગોંડલ ખાતેથી દબોચી લેવામાં આવ્યો હતો. તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી જેલહવાલે કરવાની તજવીજ હાથ ધરાઈ છે.