સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ મ્યુનિ.માં 7 કરોડના ખર્ચે AI સિસ્ટમ, 20 હજાર કર્મચારીઓનું સંચાલન થશે

અમદાવાદ મ્યુનિ.માં 7 કરોડના ખર્ચે AI સિસ્ટમ, 20 હજાર કર્મચારીઓનું સંચાલન થશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) હવે તેના કર્મચારીઓના સંચાલન માટે 7 કરોડ રૂપિયાના ખર્ચે AI આધારિત એમ્પ્લોયી મેનેજમેન્ટ સિસ્ટમ વિકસાવવાની તૈયારીમાં છે. આ સિસ્ટમ કર્મચારીઓને કામ સોંપવાથી લઈને તેમની કામગીરીના મૂલ્યાંકન સુધીની બાબતો સંભાળશે.

અમદાવાદ મ્યુનિ.માં હાલ કાયમી અને કોન્ટ્રાક્ટ પર મળીને 18થી 20 હજાર જેટલા કર્મચારીઓ કામ કરે છે. તેમની કામગીરી, નિયમિતતા અને સિનિયોરિટી અંગે વારંવાર પ્રશ્નો ઊઠતા હોય છે. હાલમાં ફક્ત હાજરી અને પગાર જેવી સામાન્ય બાબતો માટે રૂટિન ઓનલાઈન સિસ્ટમ અમલમાં છે. આ નવી સિસ્ટમ લાગુ થયા બાદ કર્તવ્યપરાયણ કર્મચારીઓની કદર થશે અને બેદરકાર કર્મચારીઓ પર લગામ આવશે તેવું તંત્રનું કહેવું છે.

નવી સિસ્ટમ ભવિષ્યમાં એક સાથે 50 હજાર કર્મચારીઓનું સંચાલન કરી શકે તેવી ક્ષમતા સાથે વિકસાવાશે. તેમાં કાયમી કર્મચારીઓની સંખ્યા વધીને 30 હજાર અને આઉટસોર્સ કર્મચારીઓ 20 હજાર થવાની ધારણા ધ્યાનમાં રાખવામાં આવી છે.

સિસ્ટમનું કામકાજ આ પ્રમાણે રહેશે:

કર્મચારીઓનું પ્રોફાઈલિંગ: તમામ કર્મચારીઓના હોદ્દા, વર્કફ્લો, નિમણૂંક, બઢતીથી લઈને નિવૃત્તિ સુધીની વિગતો ઉમેરીને પ્રોફાઈલ બનાવાશે.

ઈ-સર્વિસ બુક: કર્મચારીઓના અત્યાર સુધીના દસ્તાવેજોનું ડિજિટાઈઝેશન કરીને ઈ-સર્વિસ બુક તૈયાર કરાશે.

ટાસ્ક મેનેજમેન્ટ: કર્મચારીની ક્ષમતા અને કામના ભારણને ધ્યાનમાં રાખીને કયું કામ કોને સોંપવું તે AIની મદદથી નક્કી કરાશે.

કામનું મૂલ્યાંકન: કી પર્ફોર્મન્સ ઈન્ડિકેટર (KPI)ના આધારે કર્મચારીઓના કામનું મૂલ્યાંકન કરાશે અને તેના આધારે બઢતી તથા તાલીમ અંગેના નિર્ણય લેવાશે.

ઉલ્લેખનીય છે કે મ્યુનિસિપાલિટીએ ગત માર્ચમાં ફરિયાદ નિવારણ પોર્ટલ (CCRS)ને AI સાથે જોડવાનું આયોજન જાહેર કર્યું હતું, જેમાં શહેરીજનોની ફરિયાદો અને અધિકારીઓની કામગીરી પર AI ચાંપતી નજર રાખશે તેવો દાવો કરાયો હતો. ત્યારબાદ AI આધારિત રોડ મેનેજમેન્ટ સિસ્ટમની પણ વાત કરાઈ હતી, જેમાં ખાડા કે તૂટેલી ફૂટપાથનો ફોટો મૂકતાં AI પોતે વિસ્તાર, વોર્ડ અને ઝોન ઓળખીને સંબંધિત અધિકારીને ફરિયાદ મોકલશે તેવો દાવો કરાયો હતો. જોકે આ બંને સિસ્ટમ કેટલી અમલમાં આવી તે અંગે તંત્રે કોઈ મૂલ્યાંકન જાહેર કર્યું નથી.