દિવાળી પહેલાં અમદાવાદના CNG વાહનચાલકો માટે એક વધુ આર્થિક ફટકો પડ્યો છે. અદાણી ટોટલ ગેસે CNGના ભાવમાં એક જ દિવસમાં પ્રતિ કિલો ₹4.45નો વધારો કર્યો છે, જેના કારણે નવો ભાવ ₹98.47 પ્રતિ કિલો થયો છે.
આ પહેલાં ઓગસ્ટ 2026માં પણ અદાણી દ્વારા CNGના ભાવમાં ₹4નો વધારો કરવામાં આવ્યો હતો, ત્યારે ભાવ ₹94.2 પ્રતિ કિલો થયો હતો. હવે ફરી એક વખત ભાવ વધારો થતાં CNG ₹98.47 પ્રતિ કિલો પર પહોંચી ગયું છે. આ વધારો તહેવારોની મોસમમાં થયો છે, જ્યારે લોકો ખરીદી અને મુસાફરીનું આયોજન કરતા હોય છે.
અગાઉ પણ CNGના ભાવમાં વધારો થતાં અમદાવાદના રિક્ષા ચાલકોએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. ગેસના ભાવ સતત વધતા હોવા છતાં રિક્ષાના ભાડામાં પ્રમાણસર વધારો થતો નથી, એવી તેમની ફરિયાદ હતી. વાહન વ્યવહાર કમિશનર સાથેની બેઠક બાદ ભાડામાં વધારો કરવાની મંજૂરી મળી હતી, પરંતુ રિક્ષા ચાલકોને અપેક્ષિત વધારો મળ્યો ન હતો. ઓનલાઈન એપ્લિકેશન દ્વારા પણ ભાડામાં વધારો ન થતાં રિક્ષા ચાલકોએ બંધ રાખીને વિરોધ કર્યો હતો. તેમની માંગણીઓ ન સ્વીકારાતાં ભારત ટેક્સી સિવાયની તમામ ઓનલાઈન એપ્લિકેશનનો બહિષ્કાર કરીને રિક્ષા ચાલકોએ સવારી શરૂ કરી હતી.
CNGનો ભાવ પેટ્રોલ-ડીઝલની નજીક પહોંચી જવાથી રોજિંદું ભાડું કમાતા વાહનચાલકો, રિક્ષા ચાલકો અને કેબ ડ્રાઈવરોના દિવાળીના બજેટ પર ભાર પડી શકે છે. ભાડામાં પૂરતો વધારો ન થવાથી તેમના ઘરખર્ચ પર પણ અસર થવાની શક્યતા છે.
બીજી તરફ, અદાણી ટોટલ ગેસે આ વર્ષના બીજા ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા છે. કંપનીને ₹173 કરોડનો નફો થયો છે, જે ગયા વર્ષના સમાન ગાળાના ₹163 કરોડ કરતાં 5.9% વધુ છે. કંપનીની આવક 34% વધીને ₹2,109 કરોડ થઈ છે, જે અગાઉના વર્ષે ₹1,576 કરોડ હતી. CNG અને રસોઈ ગેસ (PNG)ની માંગ વધવાથી કંપનીની કમાણીમાં વધારો થયો છે.
શેરબજારમાં અદાણી ટોટલ ગેસનો શેર આજે 0.70% ઘટીને ₹555 પર બંધ થયો છે. છેલ્લા એક વર્ષમાં શેર 11% ઘટ્યો છે. રિસર્ચ એનાલિસ્ટ વિરાટ જગદનાના જણાવ્યા અનુસાર, શેર ₹582ને પાર ન કરે ત્યાં સુધી નવી ખરીદીથી દૂર રહેવું જોઈએ. 2026-27ના પ્રથમ ત્રિમાસિક (એપ્રિલ-જૂન)માં કંપનીનો નફો 14.2% ઘટીને ₹141.7 કરોડ રહ્યો હતો, જે અગાઉના વર્ષે ₹165.2 કરોડ હતો, જ્યારે ઓપરેશનલ આવક 27.3% વધીને ₹1,907 કરોડ થઈ હતી.