સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: આમ જનમત પાર્ટીનું 250 કરોડનું બોગસ ડોનેશન કૌભાંડ, 7 સામે ફરિયાદ

અમદાવાદ: આમ જનમત પાર્ટીનું 250 કરોડનું બોગસ ડોનેશન કૌભાંડ, 7 સામે ફરિયાદ

અમદાવાદમાં ‘આમ જનમત પાર્ટી’ના નામે 250 કરોડ રૂપિયાનું બોગસ ડોનેશન કૌભાંડ સામે આવ્યું છે. ઇન્કમ ટેક્સ વિભાગની તપાસમાં ખુલાસો થયો છે કે પાર્ટીના હોદ્દેદારો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સે મળીને મોટા કરદાતાઓને 100% ટેક્સ કપાતનો લાભ અપાવ્યો અને બોગસ કંપનીઓ મારફતે રોકડ પરત કરીને સરકારી તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડ્યું. આ મામલે ફરિયાદ દાખલ થઈ છે.

આમ જનમત પાર્ટી નામનો રાજકીય પક્ષ માત્ર કાગળ પર અસ્તિત્વ ધરાવતો હતો. પાર્ટીના હોદ્દેદારોએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સાથે મળીને બોગસ ડોનેશન અને ખોટા ખર્ચા દર્શાવીને 250 કરોડ રૂપિયાથી વધુનું કૌભાંડ કર્યું છે. ઇન્કમ ટેક્સ વિભાગની તપાસમાં ખૂલ્યું છે કે વર્ષ 2022-23 અને 2023-24 દરમિયાન આ પાર્ટીના બેંક ખાતામાં 843,97,43,793 રૂપિયાથી વધુના શંકાસ્પદ વ્યવહારો થયા હતા. જેમાં મોટા કરદાતાઓને 100% ટેક્સ કપાતનો લાભ અપાવીને બોગસ કંપનીઓ અને આંગડિયા પેઢીઓ મારફતે પોતાનું કમિશન કાપીને મૂળ રકમ રોકડમાં પરત કરવામાં આવતી હતી.

આ ટેક્સ ચોરી કૌભાંડ મામલે ઇન્કમ ટેક્સ વિભાગના આસિસ્ટન્ટ કમિશનરે તમામ સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આમ જનમત પાર્ટી, જેનો નોંધણી નંબર 56/246/2019/PPS-1 છે, તેના હોદ્દેદારોએ સરકાર અને ઇન્કમ ટેક્સ વિભાગ સાથે છેતરપિંડી કરવા માટે મોટું કાવતરું રચ્યું હતું. આ કૌભાંડમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ગૌરવ વાય. મિશ્રા, ખજાનચી ધર્મેન્દ્ર વૈષ્ણવ, વ્યવસ્થાપક દિનેશકુમાર જૈન અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ મયૂરસિંહ રાઠોડ, પ્રણવ શાહ તથા આકાશ સોની સામેલ હતા. આ તમામ આરોપીઓએ માત્ર કાગળ પર જ રાજકીય પાર્ટી ઊભી કરી અને કોઈ પણ પ્રકારના મૂળ વાઉચર, બિલ કે સાચા હિસાબો રાખ્યા વગર જ ખોટા ઓડિટ રિપોર્ટ્સ તૈયાર કરીને સરકારી પોર્ટલ પર અપલોડ કરી દીધા હતા.

આ છેતરપિંડીની મુખ્ય રીત એવી હતી કે તેઓ દેશના મોટા કરદાતાઓ પાસેથી બેંકિંગ ચેનલથી પાર્ટીના બેંક ખાતામાં મોટું ડોનેશન લેતા હતા. જેના આધારે દાતાઓ ઇન્કમ ટેક્સ હેઠળ 100 ટકા ટેક્સ કપાત મેળવતા હતા. ત્યારબાદ, પાર્ટીના ખાતામાંથી આ નાણાં ચૂંટણી પ્રચાર, રેલી કે જાહેરાતના ખોટા ખર્ચા બતાવીને પ્રેનિત કોર્પોરેશન, હેશાઝ કોર્પોરેશન, આયાન એન્ટરપ્રાઇઝ અને શ્રી રામદેવ એન્ટરપ્રાઇઝ જેવી બોગસ કંપનીઓમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા. આ રૂપિયા આંગડિયા પેઢીઓ મારફતે રોકડમાં ઉપાડી, પોતાનું નક્કી કરેલું કમિશન કાપી લઈને બાકીની રકમ મૂળ દાતાઓને પાછી આપી દેવામાં આવતી હતી.

ઇન્કમ ટેક્સ વિભાગની તપાસમાં જાણવા મળ્યું છે કે વર્ષ 2022-23 અને 2023-24 દરમિયાન આમ જનમત પાર્ટીના બેંક ખાતાઓમાં કુલ 843,97,43,793 રૂપિયાથી વધુના શંકાસ્પદ આર્થિક વ્યવહારો થયા હતા. આરોપીઓએ એકબીજા સાથે મેળાપીપણું કરીને ખોટા દસ્તાવેજો બનાવ્યા અને સરકારી તિજોરીને આશરે 250 કરોડ રૂપિયા જેટલું, જે ડોનેશનની 30% રકમ થાય છે, મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. આ કૌભાંડ મામલે આસિસ્ટન્ટ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ, કેન્દ્રીય વર્તુળ દ્વારા સરકાર સાથે છેતરપિંડી કરવા બદલ પાર્ટીના તમામ સંડોવાયેલા લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.