ઈન્ટરનેશનલ વેઈટલિફ્ટિંગ ફેડરેશન (IWF)એ વર્ષ 2029ની વર્લ્ડ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપની યજમાની માટે અમદાવાદની પસંદગી કરી છે. આ ચેમ્પિયનશિપ ભારતમાં પહેલીવાર યોજાશે. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર આ જાહેરાત કરી હતી.
ભારતીય વેઈટલિફ્ટિંગ ફેડરેશનના પ્રમુખ સહદેવ યાદવે જણાવ્યું કે ભારતીય વેઈટલિફ્ટિંગ માટે આ મોટો દિવસ છે, કારણ કે IWF વર્લ્ડ ચેમ્પિયનશિપ પહેલીવાર ભારતમાં આવી રહી છે. રશિયા અને વેનેઝુએલાએ પણ 2029ની યજમાની માટે દાવેદારી કરી હતી, પરંતુ IWF એક્ઝિક્યુટિવ બોર્ડે ભારત પર ભરોસો મુક્યો છે.
સહદેવ યાદવે વધુમાં જણાવ્યું કે 2029ની IWF વર્લ્ડ ચેમ્પિયનશિપ ભારતમાં યોજાનારી 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે ક્વોલિફાઇંગ ઇવેન્ટ પણ ગણાશે. તેનાથી ભારતીય વેઈટલિફ્ટર્સને 2030 CWG માટે સ્થાન મેળવવાની સારી તક મળશે. રશિયાને 2030ની IWF વર્લ્ડ ચેમ્પિયનશિપ આપવામાં આવી છે, જ્યારે વેનેઝુએલા IWF જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન કરશે.
અગાઉ વર્ષ 2025માં ગુજરાતે કોમનવેલ્થ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપની યજમાની કરી હતી. હવે વર્લ્ડ ચેમ્પિયનશિપ મળવાથી ગુજરાત આંતરરાષ્ટ્રીય રમતગમત સ્પર્ધાઓના કેન્દ્ર તરીકેની તેની સ્થિતિ વધુ મજબૂત કરશે. આ આયોજનથી સ્થાનિક ખેલાડીઓને પ્રોત્સાહન મળશે અને રાજ્યમાં રમતગમતના માળખાકીય વિકાસને વધુ બળ મળશે.
આવી મોટી સ્પર્ધાઓથી વિદેશી ખેલાડીઓ, કોચ અને રમતગમત સાથે જોડાયેલા પ્રતિનિધિઓની અવરજવર વધશે. તેનાથી અમદાવાદના પ્રવાસન, હોટેલ અને અન્ય વ્યવસાયોને પણ લાભ થવાની શક્યતા છે.