અમદાવાદ શહેરમાં 'સબ સલામત' હોવાના દાવા છતાં પોલીસ ઇમરજન્સી સેવા 112 પર આવતા કોલ્સના આંકડા ચિંતાજનક છે. ઓગસ્ટ 2025 થી જુલાઈ 2026 દરમિયાન શહેરમાં દરરોજ સરેરાશ 108 મારામારી અને ઝઘડાના કેસ નોંધાયા છે, એટલે કે દર 4.8 મિનિટે એક હિંસક ઘટના બને છે.
આ સમયગાળા દરમિયાન જાહેરમાં ઝઘડાના 36,238 કોલ, મારામારીના 36,161 કોલ અને દારૂ પીને ધમાલ કરવાના 17,050 કોલ નોંધાયા છે. આ ઉપરાંત ધ્વનિ પ્રદૂષણના 15,528, મહિલા અને બાળકો સાથે મારામારીના 10,632 અને ચોરીની ઘટનાઓના 9,567 કોલ મળ્યા છે. આથી સ્પષ્ટ થાય છે કે શહેરમાં દરરોજ સરેરાશ 29 જગ્યાએ ચોરી થાય છે.
ગુજરાતમાં દારૂબંધી કાયદો અમલી છે, પરંતુ ડેટા દર્શાવે છે કે દરરોજ સરેરાશ 51 કોલ દારૂ પીને ધમાલ કરવાના અને 19 કોલ દારૂબંધી ભંગના મળે છે. આ આંકડાઓ શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલ ઉઠાવે છે.