સત્ય. સાહસ. સંકલ્પ.

100 વર્ષની ઉંમરે પણ મંદાકિની બા સિલાઈ-રસોઈ જાતે કરે, અમદાવાદમાં આત્મનિર્ભર જીવનનું ઉદાહરણ

100 વર્ષની ઉંમરે પણ મંદાકિની બા સિલાઈ-રસોઈ જાતે કરે, અમદાવાદમાં આત્મનિર્ભર જીવનનું ઉદાહરણ

ઉંમર માત્ર એક આંકડો છે, જો મનમાં કંઈક કરી બતાવવાનો જુસ્સો હોય તો. આ વાત અમદાવાદમાં રહેતાં 100 વર્ષનાં મંદાકિની બા પોતાના રોજિંદા જીવનથી સાબિત કરી રહ્યાં છે.

આ ઉંમરે ઘણા લોકો પથારીવશ થઈ જતા હોય છે, પણ મંદાકિની બા સિલાઈ, રસોઈ અને ઘરકામ જાતે કરીને આત્મનિર્ભર જીવન જીવે છે. ઘરના રોજિંદા કામકાજ ઉપરાંત સિલાઈ, રસોઈ અને ઝીણવટભર્યા ભરતગૂંથણમાં આજે પણ તેમને એટલો જ રસ છે.

મંદાકિની બાના લગ્ન મોરબીના કનિષ્ઠાલાલ પટણી સાથે થયાં હતાં. પતિની સરકારી નોકરીના કારણે તેમણે મુંબઈ અને ભાવનગરમાં લાંબો સમય વિતાવ્યો. વર્ષ 1972માં પતિની બદલી અમદાવાદ થતાં તેઓ પરિવાર સાથે અહીં સ્થાયી થયાં. ત્યારથી આજ સુધી અમદાવાદ તેમના જીવનનો અનિવાર્ય ભાગ બની ગયું છે.

તેમણે જીવન માત્ર ઘર કે પરિવાર પૂરતું સીમિત નથી રાખ્યું. મંદાકિની બા ‘સમર્પણ લેડીઝ ક્લબ’ સાથે જોડાઈને અનેક વર્ષો સુધી સામાજિક સેવાઓ આપી છે.

તેમના દીર્ઘાયુ અને નિરોગી જીવનનું રહસ્ય તેમની સાદી જીવનશૈલી છે. સાદો ખોરાક, સમયસરની દિનચર્યા અને મનમાં સકારાત્મક વિચારો — આ ત્રણ બાબતો તેમના જીવનનો પાયો છે.