સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ આવતી ટ્રેનમાં પાણી નહીં, મુસાફરોની ફરિયાદ બાદ આબુ રોડ પર ભરાયું પાણી

અમદાવાદ આવતી ટ્રેનમાં પાણી નહીં, મુસાફરોની ફરિયાદ બાદ આબુ રોડ પર ભરાયું પાણી

આગ્રા કેન્ટથી અમદાવાદના ગાંધીગ્રામ સ્ટેશન તરફ આવતી 12547 સુપરફાસ્ટ એક્સપ્રેસમાં 25/26 સપ્ટેમ્બરની મુસાફરી દરમિયાન ઘણા કોચમાં પાણી ન હોવાની સમસ્યા સર્જાઈ હતી. મુસાફરોના જણાવ્યા મુજબ B-4 સહિત અનેક કોચના નળમાં સવારે પાણી આવતું ન હતું, જેના કારણે શૌચાલયના ઉપયોગમાં અને રોજિંદા કામમાં તકલીફ પડી હતી.

મુસાફરોએ આક્ષેપ કર્યો હતો કે ઉત્તર ભારતથી ગુજરાત તરફ આવતી લાંબા અંતરની ટ્રેનોમાં પાણીની આ સમસ્યા વારંવાર થાય છે. ટ્રેન લાંબા રૂટ પર દોડતી હોવા છતાં કોચમાં પાણીની ઉપલબ્ધતા અંગે યોગ્ય દેખરેખ રાખવામાં આવતી નથી, એવી ફરિયાદ તેમણે કરી હતી. રેલવે પૂરું ભાડું લે છે, પણ સુવિધા આપવામાં પાછી પડે છે, એમ મુસાફરોએ જણાવ્યું હતું.

મુસાફરોનું કહેવું છે કે ટ્રેનમાં પાણીની સમસ્યા અંગે કર્મચારીઓને જાણ કર્યા બાદ પણ તાત્કાલિક ઉકેલ ન મળ્યો હતો. જો કે, મુસાફરોએ સોશિયલ મીડિયા પર આ સમસ્યાની ફરિયાદ કરતાં આબુ રોડ સ્ટેશન નજીક કોચમાં પાણી ભરવામાં આવ્યું હતું.

લાંબી મુસાફરી દરમિયાન પાણી જેવી મૂળભૂત સુવિધા ન મળવાથી રેલવે તંત્રની કોચ મેન્ટેનન્સ અને સર્વિસિંગ વ્યવસ્થા અંગે પ્રશ્નો ઊભા થયા છે.