નવી દિલ્હી: ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ એનએસ રાજા સુબ્રમણીએ બુધવારે અગ્નિવીરોની સેવા અવધિ બે વર્ષ વધારવાની જાહેરાત કરી છે. હવે અગ્નિવીરો ચાર વર્ષને બદલે છ વર્ષ સુધી સેવા કરી શકશે.
ચાર વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનારા 75 ટકા અગ્નિવીરોને વધારાના બે વર્ષની સેવા અવધિ આપવામાં આવશે. ત્યારબાદ સેનામાં યથાવત રહેવા ઇચ્છુક અગ્નિવીરો નિર્ધારિત પસંદગી પ્રક્રિયા હેઠળ સશસ્ત્ર દળોમાં ભરતી થઈ શકશે.
CDSના જણાવ્યા મુજબ, વધુ સારું પ્રદર્શન કરનારા અગ્નિવીરોને કાયમી નોકરીની તક મળશે. એક્સટેન્શન મેળવનારાઓને વધારેલો પગાર અને ભથ્થાં પણ આપવામાં આવશે. હાલમાં દેશની ત્રણેય સેનાઓમાં આશરે 3.18 લાખ અગ્નિવીરો સેવા આપી રહ્યા છે.
અગ્નિપથ યોજના 14 જૂન 2022ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત થલસેના, વાયુસેના અને નૌસેનામાં યુવાનોની ચાર વર્ષ માટે ભરતી કરવામાં આવે છે. યોજાના નિયમ મુજબ, દરેક બેચના વધુમાં વધુ 25 ટકા અગ્નિવીરોને ચાર વર્ષની સેવા બાદ નિયમિત સેનામાં સામેલ કરી શકાય છે. આ માટે તેમના કામ અને કામગીરીની સાથે સેનાની જરૂરિયાતોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે.
હવે બાકીના 75 ટકા અગ્નિવીરોને વધુ બે વર્ષ સેવા કરવાની તક મળશે. છ વર્ષ પૂર્ણ થયા બાદ જે અગ્નિવીરો સેનામાં રહેવા ઇચ્છશે, તેઓ નિયમિત ભરતી માટે અરજી કરી શકશે. આ માટે તેમને નિર્ધારિત પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.
આંકડાઓ મુજબ, 31 ડિસેમ્બર સુધીમાં પ્રથમ બેચના આશરે 18,300 અગ્નિવીરોનો ચાર વર્ષનો કાર્યકાળ પૂર્ણ થવાનો છે. આ પ્રથમ બેચમાં ભરતી થયેલા 24,400 અગ્નિવીરોના આશરે 75 ટકા છે. પહેલાં નક્કી કરાયેલી યોજના મુજબ, નવેમ્બરના મધ્યથી 75 ટકા અગ્નિવીરોને તબક્કાવાર રીતે સેવામાંથી બહાર કરવામાં આવવાના હતા. નવી વ્યવસ્થા હેઠળ હવે તેમને બે વર્ષનો વધારાનો સમય મળશે. આ સેવા વિસ્તરણ અગ્નિવીરોની સંમતિથી થશે.
ગત મહિને ભારતીય વાયુસેનાએ પોતાના પ્રથમ અગ્નિવીર વાયુ બેચના 2,850 ભરતી થયેલા જવાનોમાંથી 712ને નિયમિત સેવામાં જાળવી રાખવાનો નિર્ણય કર્યો હતો.