જન્માષ્ટમીના પવિત્ર પર્વે ગુજરાતી બેન્ડ ‘અઘોરી મ્યુઝિક’એ પોતાનું નવું ગીત ‘સાથે કૃષ્ણ, તો શેનો પ્રશ્ન?’ રિલીઝ કર્યું છે. આ ગીત ‘વેલકમ ટુ ગુજરાત’ આલ્બમનો એક ભાગ છે. બેન્ડ અર્બન અને હિપ-હોપ શૈલીમાં ગુજરાતી ગીતો રજૂ કરવા માટે જાણીતું છે.
ગીતમાં શ્રીકૃષ્ણની કૃપા, મિત્રતા અને આધ્યાત્મિક શક્તિનો મહિમા ગાવામાં આવ્યો છે. ગીતના બોલ બેન્ડે પોતે લખ્યા છે. રેપ વિભાગ ક્રુઝ અને હાર્ડ-ડી દ્વારા ગાવામાં આવ્યો છે, જ્યારે ભક્તિમય ધૂનને ક્રુઝ, અવિરલ અને રિધમે સ્વરબદ્ધ કરી છે.
આ ગીત વ્રજભૂમિ યમુનાજીના કિનારાથી લઈને દ્વારકામાં વિરાજમાન ‘શેઠ શામળિયા’ સુધીની યાત્રાનું વર્ણન કરે છે. ગીતમાં રાધાજીનો સાથ, મીરાંની ઝાંઝરી, સુદામાની નિઃસ્વાર્થ મિત્રતા અને અર્જુનના સારથિ બનીને ભક્તોને સાચો માર્ગ બતાવનારા કૃષ્ણના વિશ્વાસની વાતોને ભાવપૂર્ણ રીતે રજૂ કરવામાં આવી છે.
આ ગીત પરંપરાગત ભક્તિભાવ અને આધુનિક અર્બન હિપ-હોપ સંગીતનો અનોખો સંગમ છે. બેન્ડના સભ્યોએ જણાવ્યું હતું કે, “આજના ભાગદોડભર્યા અને ગૂંચવણોથી ભરેલા જીવનમાં જો દ્વારકાધીશનો સાથ અને તેમના પર વિશ્વાસ હોય, તો કોઈપણ મુશ્કેલી કે પ્રશ્ન માણસને ડરાવી શકતો નથી.”