સત્ય. સાહસ. સંકલ્પ.

5 રનમાં 4 વિકેટ ગુમાવ્યા બાદ અમજતુલ્લાહની 116 રનની ઇનિંગ, અફઘાનિસ્તાને ઝિમ્બાબ્વેને 19 રને હરાવ્યું

5 રનમાં 4 વિકેટ ગુમાવ્યા બાદ અમજતુલ્લાહની 116 રનની ઇનિંગ, અફઘાનિસ્તાને ઝિમ્બાબ્વેને 19 રને હરાવ્યું

ઝિમ્બાબ્વે સામેની બીજી T20 મેચમાં અફઘાનિસ્તાનના ઓલરાઉન્ડર અઝમતુલ્લાહ ઉમરઝઈએ ઐતિહાસિક બેટિંગ કરી છે. નંબર-6 પર બેટિંગ કરવા આવેલા ઉમરઝઈએ 50 બોલમાં 116 રનની અણનમ ઇનિંગ રમી હતી, જેમાં 5 ચોગ્ગા અને 12 છગ્ગા સામેલ હતા. આ સાથે તે ફુલ મેમ્બર ટીમો તરફથી T20 ઇન્ટરનેશનલમાં છઠ્ઠા કે તેનાથી નીચલા ક્રમે બેટિંગ કરીને સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યો છે.

મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમે માત્ર 5 રનના સ્કોર પર ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ 38 રન થતાં અડધી ટીમ પેવેલિયન પરત ફરી ગઈ હતી. એવું લાગી રહ્યું હતું કે ટીમ 100 રન પણ નહીં બનાવી શકે. આ મુશ્કેલ પરિસ્થિતિમાં ઉમરઝઈએ મોરચો સંભાળ્યો અને ઝડપી બેટિંગ કરી. તેની ઇનિંગના કારણે અફઘાનિસ્તાને 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 222 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો.

ઉમરઝઈએ આ ઇનિંગ સાથે ફુલ મેમ્બર ટીમો તરફથી T20 ઇન્ટરનેશનલમાં છઠ્ઠા કે તેનાથી નીચલા ક્રમે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ પહેલાં આ રેકોર્ડ અફઘાનિસ્તાનના જ મોહમ્મદ નબીના નામે હતો, જેમણે 2017માં આયર્લેન્ડ સામે 89 રન બનાવ્યા હતા.

222 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમે પણ સારી ટક્કર આપી હતી. કેપ્ટન સિકંદર રઝાએ 56 બોલમાં 5 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી 106 રન બનાવ્યા હતા. જોકે, તેને બીજા છેડેથી પૂરતો સાથ મળ્યો નહોતો. ઝિમ્બાબ્વેએ 20 ઓવરમાં 5 વિકેટે 202 રન બનાવ્યા હતા. પરિણામે અફઘાનિસ્તાને 19 રને મેચ જીતી લીધી હતી અને સિરીઝ પણ પોતાના નામે કરી હતી.