અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે વન-ડે આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં પોતાનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ સ્થાન મેળવ્યું છે. ICCની ટીમ રેન્કિંગમાં અફઘાનિસ્તાન છઠ્ઠા સ્થાને પહોંચ્યું છે, જે તેનું અત્યાર સુધીનું સર્વોચ્ચ સ્થાન છે. તેણે શ્રીલંકાને પાછળ છોડીને પ્રથમ વખત ટોપ-6માં જગ્યા બનાવી છે. ભારત, ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, પાકિસ્તાન અને ઑસ્ટ્રેલિયા હાલમાં તેનાથી આગળ છે.
આ સફળતા પાછળ અફઘાનિસ્તાનનું તાજેતરનું સારું પ્રદર્શન છે. ટીમે ઑગસ્ટમાં આયર્લેન્ડને તેના ઘરઆંગણે 4-0થી હરાવ્યું હતું. ત્યારબાદ UAEમાં ઝિમ્બાબ્વે અને બાંગ્લાદેશ સાથે રમાયેલી વન-ડે ટ્રાઇ સિરીઝમાં એક પણ મેચ ગુમાવી નહોતી અને ટાઇટલ જીત્યું હતું.
અફઘાનિસ્તાને 2009માં વન-ડે ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. તે સમયે ટીમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નવી હતી. હવે 17 વર્ષ બાદ તે વિશ્વની 6 સૌથી મજબૂત વન-ડે ટીમમાં સામેલ થઈ ગઈ છે. ટીમે પોતાની પહેલી વન-ડે 19 એપ્રિલ 2009ના રોજ સ્કોટલેન્ડ સામે રમી હતી.
ICCની રેન્કિંગમાં ટીમનું સ્થાન તેના તાજેતરના મેચ પરિણામો અને તેના આધારે મળતી રેટિંગથી નક્કી થાય છે. મજબૂત ટીમ સામેની જીત રેન્કિંગમાં આગળ વધવામાં મદદ કરે છે. અફઘાનિસ્તાને પહેલેથી જ બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝને પાછળ છોડી દીધા હતા.
આયર્લેન્ડ સામેની સિરીઝની ચોથી વનડેમાં અફઘાનિસ્તાને 343 રન બનાવ્યા હતા. તેમાં સેદીકુલ્લાહ અતલે 143 અને ઇબ્રાહિમ ઝદરાને 107 રનની ઇનિંગ્સ રમી હતી. બંને વચ્ચે બીજી વિકેટ માટે 231 રનની ભાગીદારી થઈ હતી. અફઘાનિસ્તાને આ મેચ 42 રને જીતી હતી.
UAEમાં રમાયેલી ટ્રાઇ સિરીઝમાં અફઘાનિસ્તાને બાંગ્લાદેશને એક મેચમાં 160 રનમાં સમેટી દીધું હતું અને 35.3 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્ય સર કર્યું હતું. ફાઇનલમાં ઝિમ્બાબ્વે 43.3 ઓવરમાં 169 રને ઓલઆઉટ થઈ ગયું હતું. અફઘાનિસ્તાને ઇબ્રાહિમ ઝદરાનના અણનમ 70 રનની મદદથી 34.3 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્ય સર કર્યું અને સાત વિકેટે જીત નોંધાવીને ટ્રોફી જીતી હતી.
ટ્રાઇ સિરીઝમાં રાશિદ ખાને ત્રણ મેચમાં 11 વિકેટ ઝડપીને પ્લેયર ઓફ ધ સિરીઝનો પુરસ્કાર મેળવ્યો હતો. ફાઇનલમાં ઇબ્રાહિમ ઝદરાનને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. કેપ્ટન રહમત શાહે 43 અને રહમાનુલ્લાહ ગુરબાઝે 36 રન બનાવ્યા હતા.
આ મુકાબલા સાથે રાશિદ ખાને અફઘાનિસ્તાન માટે પોતાની 250મી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તે મોહમ્મદ નબી બાદ આ સિદ્ધિ હાંસલ કરનારા દેશના બીજા ક્રિકેટર બન્યા છે. નબીએ આ જ ફાઇનલમાં બે વિકેટ લઈને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની 300 વિકેટ પણ પૂર્ણ કરી હતી.
અફઘાનિસ્તાને અત્યાર સુધી 191 વન-ડે મેચ રમી છે, જેમાંથી 96માં તેને જીત મળી છે. ટીમની ઓળખ ખાસ કરીને સ્પિન બોલિંગ માટે રહી છે. બેટિંગમાં પણ ઇબ્રાહિમ ઝદરાન, રહમાનુલ્લાહ ગુરબાઝ અને સેદીકુલ્લા અતલ જેવા ખેલાડીઓ સતત યોગદાન આપી રહ્યા છે.
T20 ઇન્ટરનેશનલની રેન્કિંગમાં ચિત્ર અલગ છે. ત્યાં ઇંગ્લેન્ડ પ્રથમ, ભારત બીજા અને ઑસ્ટ્રેલિયા ત્રીજા સ્થાને છે.