સત્ય. સાહસ. સંકલ્પ.

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના વીડિયોમાં PoK-ગિલગિટને ભારતનો ભાગ દર્શાવતા પાકિસ્તાનમાં રોષ

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના વીડિયોમાં PoK-ગિલગિટને ભારતનો ભાગ દર્શાવતા પાકિસ્તાનમાં રોષ

કાબુલઃ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે અનેક મુદ્દે તણાવ જોવા મળે છે. ત્યારે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) એ ભારત સામેની આગામી ક્રિકેટ સિરીઝના પ્રમોશન માટે એક વીડિયો શેર કર્યો છે, જેમાં પાકિસ્તાનના નિયંત્રણ હેઠળના કાશ્મીર (PoK) અને ગિલગિટ-બાલ્ટિસ્તાનને ભારતનો ભાગ બતાવવામાં આવ્યા છે. આ વીડિયોને લઈને પાકિસ્તાનમાં ભારે આક્રોશ વ્યક્ત થઈ રહ્યો છે.

રવિવારે ACB એ પોતાના સત્તાવાર X (ટ્વિટર) હેન્ડલ પર આ વીડિયો શેર કર્યો હતો, જેમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાનારી સિરીઝનો પ્રચાર કરવામાં આવ્યો છે. વીડિયોમાં વપરાયેલા નકશામાં પાકિસ્તાનના વહીવટ હેઠળના કાશ્મીર અને ગિલગિટ-બાલ્ટિસ્તાનના વિસ્તારોને ભારતનો ભાગ દર્શાવવામાં આવ્યા હતા. આ મુદ્દે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ સત્તાવાર રીતે આપત્તિ વ્યક્ત કરી છે.

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના આ વીડિયોથી પાકિસ્તાન એટલું નારાજ થયું છે કે, આ મામલો હવે આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવાની તૈયારી થઈ રહી છે. જોકે, હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા સરહદી વિવાદને લઈને પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ગોળીબારી પણ થઈ ચૂકી છે. પાકિસ્તાન અફઘાનિસ્તાન પર આરોપ લગાવે છે કે, તેના સમર્થનથી ટીટીપી (તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન) હુમલા કરે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વીડિયોને કાબુલ તરફથી એક રાજદ્વારી સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે, જે પાકિસ્તાનની પ્રાદેશિક ચિંતાઓની પરવાહ કર્યા વિના ભારત સાથે સંબંધો વધારવાની તેની ઇચ્છા દર્શાવે છે. આ ઘટનાએ બંને દેશો વચ્ચેના તણાવને વધુ વકર્યો છે.