સત્ય. સાહસ. સંકલ્પ.

અફઘાનિસ્તાને ઝિમ્બાબ્વેને 37 રને હરાવ્યું, એજાઝની ઝડપી ફિફ્ટી અને રાશિદના ઓલરાઉન્ડ પ્રદર્શનથી સિરીઝમાં 1-0ની લીડ

અફઘાનિસ્તાને ઝિમ્બાબ્વેને 37 રને હરાવ્યું, એજાઝની ઝડપી ફિફ્ટી અને રાશિદના ઓલરાઉન્ડ પ્રદર્શનથી સિરીઝમાં 1-0ની લીડ

શારજાહમાં રમાયેલી ત્રણ મેચની T20 સિરીઝની પ્રથમ મેચમાં અફઘાનિસ્તાને ઝિમ્બાબ્વેને 37 રનથી હરાવ્યું. આ સાથે અફઘાનિસ્તાને ઝિમ્બાબ્વે સામે સતત છઠ્ઠી T20 આંતરરાષ્ટ્રીય મેચ જીતી છે અને સિરીઝમાં 1-0ની લીડ મેળવી છે.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની શરૂઆત ખરાબ રહી. બીજી ઓવરમાં કેપ્ટન ઇબ્રાહિમ ઝદરાન કવરમાં કેચઆઉટ થયો. ત્યારબાદ ઝિમ્બાબ્વેના ડેબ્યુટન્ટ અર્નેસ્ટ મસુકુએ સેદીકુલ્લાહ અટલ અને મોહમ્મદ અકરમને પેવેલિયન મોકલ્યા. નવમી ઓવરમાં રહમાનુલ્લાહ ગુરબાઝ પણ આઉટ થયો. 12મી ઓવર સુધી અફઘાનિસ્તાનનો સ્કોર 66 રનમાં 5 વિકેટ હતો.

મુશ્કેલ પરિસ્થિતિમાં શાહિદુલ્લાહ અને એજાઝ અહમદઝઈએ ઇનિંગ્સ સંભાળી. શાહિદુલ્લાહે એક છેડે ટકી રહીને 42 બોલમાં 46 રન બનાવ્યા, જ્યારે 20 વર્ષના એજાઝે આક્રમક બેટિંગ કરતાં માત્ર 20 બોલમાં અડધી સદી પૂરી કરી. બંનેએ છઠ્ઠી વિકેટ માટે 4.5 ઓવરમાં 61 રનની ભાગીદારી કરી. શાહિદુલ્લાહ 17મી ઓવરમાં આઉટ થયો.

અંતિમ ઓવરોમાં રાશિદ ખાને 10 બોલમાં 30 રનની તોફાની ઇનિંગ્સ રમી, જેમાં એક ચોગ્ગો અને ચાર છગ્ગાનો સમાવેશ થાય છે. તેનો સ્ટ્રાઇક રેટ 300 રહ્યો. તેની આ તોફાની બેટિંગથી અફઘાનિસ્તાન 19.5 ઓવરમાં 177 રન સુધી પહોંચી શક્યું. ઝિમ્બાબ્વે તરફથી ન્યૂમેન ન્યામહુરીએ 31 રન આપીને 4 વિકેટ ઝડપી, જેમાં અંતિમ ઓવરમાં ત્રણ વિકેટનો સમાવેશ થાય છે. મસુકુએ ડેબ્યુ મેચમાં 2 વિકેટ લીધી.

178 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેએ પાવરપ્લેમાં એક વિકેટ ગુમાવીને 38 રન બનાવ્યા. ત્યારબાદ અફઘાનિસ્તાનના બોલરોએ પકડ મજબૂત કરી. રાશિદ ખાને ઇનોસન્ટ કાયાને બોલ્ડ કરીને ઝિમ્બાબ્વેને બીજો ઝટકો આપ્યો અને ત્યારબાદ વિકેટોનો સિલસિલો ચાલુ થયો. રાશિદે 4 ઓવરમાં 20 રન આપીને 2 વિકેટ લીધી, જ્યારે મુજીબ ઉર રહેમાને 27 રન આપીને 2 વિકેટ મેળવી. ઝિમ્બાબ્વે તરફથી રેયાન બર્લે સૌથી વધુ 32 રન બનાવી શક્યો. ઝિમ્બાબ્વેની સંપૂર્ણ ટીમ 140 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.

ઉલ્લેખનીય છે કે ઝિમ્બાબ્વેના નિયમિત બોલર બ્લેસિંગ મુજરબાની ઈજાને કારણે 33 વર્ષના અર્નેસ્ટ મસુકુને T20I ડેબ્યુની તક મળી હતી. મસુકુએ પોતાની પહેલી જ ઓવરમાં અસર છોડીને સેદીકુલ્લાહ અટલને કેચ આઉટ અને મોહમ્મદ અકરમને LBW આઉટ કર્યો. જોકે, રિપ્લેમાં બોલ સ્ટમ્પ્સની ઉપરથી જતો દેખાયો, પરંતુ મેચમાં DRS ઉપલબ્ધ નહોતું, તેથી અકરમને પેવેલિયન પરત ફરવું પડ્યું.