શારજાહમાં બુધવારે રમાયેલી વનડે ટ્રાઈ સિરીઝની મેચમાં અફઘાનિસ્તાને બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું છે. આ અફઘાનિસ્તાનની સતત બીજી જીત છે, જ્યારે આ હાર સાથે બાંગ્લાદેશ સિરીઝમાંથી બહાર થઈ ગયું છે.
ટોસ હાર્યા બાદ પ્રથમ બોલિંગ કરતાં અફઘાનિસ્તાને બાંગ્લાદેશની ટીમને 160 રનમાં ઓલઆઉટ કરી દીધી. જવાબમાં અફઘાનિસ્તાને 35.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્ય પૂરું કરી લીધું.
રાશિદ ખાને સતત બીજી મેચમાં 4 વિકેટ ઝડપી છે. તેણે 8.2 ઓવરમાં 31 રન આપ્યા. બે દિવસ પહેલાં ઝિમ્બાબ્વે સામે પણ તેને 4 વિકેટ ઝડપી હતી. અઝમતુલ્લાહ ઓમરઝાઈ અને યામિન અહમદઝાઈને 2-2 વિકેટ ઝડપી.
બાંગ્લાદેશ માટે વિકેટકીપર પરવેઝ હુસેન એમોને સૌથી વધુ 70 રન બનાવ્યા, પરંતુ બીજા છેડે તેમને અન્ય બેટર્સનો સાથ મળ્યો નહીં. સૈફ હસને 82 બોલમાં 41 રન બનાવ્યા. ઓપનર તંઝીદ હસન તામીમ માત્ર 1 રન બનાવી શક્યા, જ્યારે સૌમ્ય સરકાર પહેલા જ બોલ પર ગોલ્ડન ડક થઈ ગયો. કેપ્ટન તૌહિદ પણ ખાતું ખોલાવી શક્યા નહીં. નજમુલ હુસેન શાંતોએ 15 રન બનાવ્યા.
મિડલ ઓર્ડરમાં મેહદી હસન મિરાજ 2 રન અને શોરિફુલ ઇસ્લામ 7 રન બનાવીને આઉટ થયા, જ્યારે અલિસ અલ ઇસ્લામ પણ ખાતું ખોલાવી શક્યા નહીં.
લક્ષ્યનો પીછો કરતાં અફઘાનિસ્તાનની શરૂઆત સારી રહી નહોતી. વિકેટકીપર રહમાનુલ્લાહ ગુરબાઝ 6 રન બનાવીને આઉટ થઈ ગયા. ઇબ્રાહિમ જાદરાને 34 રનની ઇનિંગ રમી. અગાઉની મેચમાં સદી ફટકારનાર સેદિકુલ્લાહ અટલ આ મેચમાં માત્ર 4 રન જ બનાવી શક્યા.
ત્યારબાદ કેપ્ટન રહમત શાહે અણનમ અડધી સદી ફટકારી અને હશમતુલ્લાહ શાહિદીએ પણ સારી બેટિંગ કરી. બંનેએ અડધી સદીની ભાગીદારી કરીને ટીમને જીત સુધી પહોંચાડી.
ટ્રાઈ સિરીઝની ફાઇનલ મેચ 23 ઓક્ટોબરે અફઘાનિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાશે.