સત્ય. સાહસ. સંકલ્પ.

ADR રિપોર્ટ: 2022 પછી 111 સાંસદ-ધારાસભ્યોએ પક્ષ બદલ્યો, નાગાલેન્ડ અને બંગાળમાં સૌથી વધુ

ADR રિપોર્ટ: 2022 પછી 111 સાંસદ-ધારાસભ્યોએ પક્ષ બદલ્યો, નાગાલેન્ડ અને બંગાળમાં સૌથી વધુ

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને નેશનલ ઇલેક્શન વોચે એક અહેવાલ બહાર પાડ્યો છે. તેમાં જણાવાયું છે કે 2022 પછી યોજાયેલી ચૂંટણીઓમાં જીતેલા 111 સાંસદો અને ધારાસભ્યોએ પક્ષ બદલ્યો છે. આ સમયગાળામાં સંસદીય અને વિધાનસભા ચૂંટણીઓ તેમજ પેટાચૂંટણીઓનો સમાવેશ થાય છે.

અહેવાલ મુજબ, પક્ષ બદલનારાઓમાં 33 સાંસદો અને 78 ધારાસભ્યોનો સમાવેશ થાય છે. 33 સાંસદોમાં 26 લોકસભા સભ્યો અને 7 રાજ્યસભા સભ્યો છે.

ADRના વિશ્લેષણમાં પક્ષ પરિવર્તન, પક્ષ વિલીનીકરણ, રાજીનામા પછી પેટાચૂંટણીમાં વિજય અને ગેરલાયક ઠેરવ્યા બાદ પેટાચૂંટણીમાં વિજય જેવા કેસોનો સમાવેશ કરાયો છે.

સૌથી વધુ પક્ષ બદલાવ નાગાલેન્ડમાં જોવા મળ્યો. ત્યાં 32 ધારાસભ્યોએ પક્ષ બદલ્યો હતો. તેમાંય મોટાભાગના કેસ શાસક નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP) અને નાગા પીપલ્સ ફ્રન્ટ (NPF) વચ્ચેના જોડાણ સાથે સંકળાયેલા છે. NDPPમાંથી ચૂંટાયેલા 25 ધારાસભ્યોએ પક્ષ બદલ્યો, જ્યારે NPFમાં કુલ 32 ધારાસભ્યો જોડાયા. એટલે કે NPFને સૌથી વધુ ધારાસભ્યો મળ્યા.

પશ્ચિમ બંગાળમાં આવા 20 કેસ સામે આવ્યા, જેમાં બધા સાંસદો છે. આ તમામ 20 સાંસદો મૂળ ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ (AITC)ની ટિકિટ પર ચૂંટાયા હતા અને પછી નેશનાલિસ્ટ સિટીઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા (NCPI)માં જોડાયા હતા. તેમણે NCPIમાં જોડાવાનો દાવો કર્યો છે, પરંતુ આ મામલો લોકસભા સ્પીકર ઓમ બિરલા પાસે પેન્ડિંગ છે.

મેઘાલયમાં પણ આઠ ધારાસભ્યોએ તાજેતરમાં પક્ષ બદલ્યો હતો. તેમાં લખમેન રિમ્બુઇ, પાયસ મારવેન, કિર્મેન શ્યલ્લા, માયરાલર્બોર્ન સિએમ, મૈથ્યૂ કુર્બાહ, ઓલન સિંહ સુઈન, બાલાજીદ કુપર સિનરેમ અને સિનશર લિંગદોહ થબાહનો સમાવેશ થાય છે. આ આઠેય ધારાસભ્યોએ યુનાઇટેડ ડેમોક્રેટિક પાર્ટી (UDP) છોડીને ભાજપમાં જોડાવાની જાહેરાત કરી હતી.

અહેવાલ મુજબ, સૌથી વધુ નુકસાન NDPPને થયું. તેના 25 ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પક્ષ છોડ્યો, જે કુલ પક્ષપલટાના 23 ટકા થાય છે. તે પછી AITCના 20 અને INCના 19 પ્રતિનિધિઓએ પક્ષ છોડ્યો હતો.