ચૂંટણી એક પક્ષની ટિકિટ પર લડવી અને જીત્યા બાદ બીજા પક્ષમાં જોડાઈ જવું – આ વલણ ભારતીય રાજકારણમાં ઝડપથી વધ્યું છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને નેશનલ ઇલેક્શન વોચના અહેવાલ મુજબ, 2022થી 2026 વચ્ચે કુલ 111 સાંસદો અને ધારાસભ્યોએ ચૂંટણી જીત્યા પછી પક્ષ બદલ્યો છે. સૌથી વધુ પક્ષપલટા નાગાલેન્ડ અને પશ્ચિમ બંગાળમાં થયા છે.
નાગાલેન્ડમાં સૌથી વધુ 32 ધારાસભ્યોએ પક્ષપલટો કર્યો, જે દેશમાં સૌથી વધુ છે. આમાંથી 25 ધારાસભ્યોએ નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP) છોડી હતી. નાગા પીપલ્સ ફ્રન્ટ (NPF)ને સૌથી વધુ ફાયદો થયો અને વિવિધ પક્ષોમાંથી 32 ધારાસભ્યો તેમાં જોડાયા. બીજા ક્રમે પશ્ચિમ બંગાળમાં 20 લોકસભા સાંસદોએ પક્ષ બદલ્યો. આ તમામ TMCની ટિકિટ પર જીત્યા હતા અને પછી નેશનલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા (NCPI)માં જોડાયા. આ સાંસદોએ તેને 'વિલય' ગણાવ્યો છે અને મામલો લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સમક્ષ પડતર છે.
તેલંગાણામાં 9 ધારાસભ્યોએ BRS છોડીને કોંગ્રેસમાં જોડાયા. ગોવામાં 8 કોંગ્રેસી ધારાસભ્યો ભાજપમાં જોડાયા, જ્યારે પંજાબમાં 8 કિસ્સા સામે આવ્યા, જેમાં 6 રાજ્યસભા સાંસદો અને 2 ધારાસભ્યોનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં શિવસેના (UBT)ના 6 સાંસદો શિંદે જૂથની શિવસેનામાં જોડાયા. એકલા NDPP, TMC અને કોંગ્રેસમાંથી 64 એટલે કે 58% સાંસદ-ધારાસભ્યોએ પક્ષ છોડ્યો છે. જ્યારે નેતાઓને પોતાના પક્ષમાં લેવામાં NPF, ભાજપ અને NCPI સૌથી આગળ રહ્યા. આ ત્રણેય પક્ષોએ મળીને 73% પક્ષપલટુઓને જોડ્યા.
ADRએ જણાવ્યું કે અનેક રાજ્યોમાં પક્ષપલટાને કારણે સરકારો પણ પડી ભાંગી છે. સંસ્થાએ પક્ષપલટા વિરોધી કાયદામાં સુધારાની ભલામણ કરી છે. અયોગ્યતા અંગેની અરજીઓ પર નિર્ણય લેવાનો અધિકાર અધ્યક્ષ પાસેથી લઈને રાષ્ટ્રપતિ (સાંસદો માટે) અને રાજ્યપાલ (ધારાસભ્યો માટે)ને સોંપવો જોઈએ, જેઓ ચૂંટણી પંચની સલાહ પર નિર્ણય લે. સાથે જ અયોગ્યતાના નિર્ણય માટે ચોક્કસ સમયમર્યાદા નક્કી થવી જોઈએ અને પક્ષપલટો કરનાર નેતા ફરી ચૂંટાય નહીં ત્યાં સુધી કોઈ પદ ધારણ ન કરી શકે, તેવી પણ ADRએ માંગ કરી છે.