સત્ય. સાહસ. સંકલ્પ.

અદનાન સામીનો મુંબઈ એરપોર્ટ પર ગેરવર્તનનો આરોપ, એરલાઈન સ્ટાફ પર નારાજગી

અદનાન સામીનો મુંબઈ એરપોર્ટ પર ગેરવર્તનનો આરોપ, એરલાઈન સ્ટાફ પર નારાજગી

જાણીતા ગાયક અદનાન સામીએ મુંબઈ એરપોર્ટ પર એરલાઈન સેવાના સ્ટાફ દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યાનો આરોપ લગાવ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પેઇડ સેવા લેવા છતાં અપમાનજનક વલણ અંગે નારાજગી વ્યક્ત કરી છે. જ્યારે મુંબઈ એરપોર્ટે તપાસની ખાતરી આપી, ત્યારે ગાયકે તેમના ચેટબોટના જવાબમાં તેમને સીધા ‘અદનાન’ કહીને સંબોધવા બદલ વધુ નારાજગી દર્શાવી છે.

અદનાને જણાવ્યું કે તેમણે પ્રણામ એરલાઈન સેવા લીધી હતી, જેમાં ચેક-ઇન, વિશેષ વેઇટિંગ લાઉન્જ, સામાન સંભાળવો અને સુરક્ષા તપાસમાં મદદ મળે છે. એરપોર્ટ પર પહોંચ્યા પછી તેમને ખબર પડી કે તેમની ફ્લાઈટ પાંચ કલાક મોડી છે, પરંતુ આ અંગે અગાઉથી જાણ કરવામાં આવી નહોતી. જો સમયસર જાણ થઈ હોત તો તેઓ ઘરે આરામ કરી શક્યા હોત.

તેમણે વધુમાં કહ્યું કે તેમને કોઈ સ્ટાફ સોંપવામાં આવ્યો નહોતો. ફરિયાદ કર્યા પછી એક મહિલા કર્મચારી મોકલવામાં આવી, પરંતુ તે આખો સમય મોબાઈલમાં વ્યસ્ત રહી. લાઉન્જમાં પાંચ કલાક રાહ જોયા પછી જ્યારે પ્રસ્થાનનો સમય આવ્યો, ત્યારે તે કર્મચારી ત્યાં હાજર નહોતી. પોર્ટરની મદદથી શોધ કરતાં તે એક ખૂણામાં બેસીને ફોન વાપરતી મળી.

અદનાને જણાવ્યું કે મહિલા કર્મચારી તેમને જે ડિપાર્ચર ગેટ પર લઈ ગઈ હતી ત્યાં ભીડ હતી અને તેને ફર્સ્ટ ક્લાસ તથા બિઝનેસ ક્લાસ માટેના અલગ ટ્રેકની પણ જાણકારી નહોતી. તેમને પોતાને ફર્સ્ટ ક્લાસનો ટ્રેક શોધવો પડ્યો. જ્યારે તેમણે કર્મચારીને ટોક્યું, ત્યારે તેણે પોતાની ભૂલ સ્વીકારવાને બદલે ગેરવર્તન કર્યું, જેને તેમણે અવ્યાવસાયિક ગણાવ્યું.

અદનાને લખ્યું કે પ્રણામ સર્વિસિસ સાથે આ બીજી ઘટના છે જ્યારે તેમના કર્મચારીઓએ તેમની સાથે ખરાબ વર્તન કર્યું છે. પૈસા લેવા છતાં આવું વલણ ઘમંડી અને અપમાનજનક છે.

આ અંગે મુંબઈ એરપોર્ટના સત્તાવાર એક્સ (X) એકાઉન્ટ પરથી જવાબમાં લખવામાં આવ્યું કે, ‘અમે સમજીએ છીએ કે મુસાફરીના દરેક તબક્કે સારો અને સન્માનજનક અનુભવ આપવો કેટલો જરૂરી છે. અમને ખેદ છે કે તમારો તાજેતરનો અનુભવ અપેક્ષા મુજબનો રહ્યો નથી. અમે આ મામલાની તપાસ કરવા માગીએ છીએ.’

મુંબઈ એરપોર્ટે જ્યારે મુસાફરીની વિગતો માંગી, ત્યારે અદનાને જવાબ આપ્યો કે બોટ દ્વારા મળેલો રટાયેલો જવાબ પસંદ નથી આવ્યો અને તેનાથી મુશ્કેલી વધી છે. જો ગ્રાહકો સાથે વાત કરવાની રીત ન આવડતી હોય તો બોટને તો શીખવવું જોઈએ કે લોકો સાથે સન્માનપૂર્વક કેવી રીતે વાત કરવી. શું આપણે એટલા નજીકના છીએ કે ફક્ત ‘અદનાન’ કહીને બોલાવવામાં આવે? ગ્રાહકોને સંબોધવાની પણ એક રીત હોય છે.

તેમણે ઉમેર્યું કે જો કમ્પ્યુટરથી જવાબ આપી શકાય છે તો તે જ કમ્પ્યુટરથી ફ્લાઈટનો સમય પણ જાણી શકાયો હોત. આટલી નાની માહિતી મેળવવાની તસ્દી ન લેવી એ આળસની હદ છે. તેમણે શિષ્ટાચાર અને સંસ્કાર શીખવાની સલાહ આપી છે.

પ્રણામ મુંબઈ એરપોર્ટની પેઇડ મીટ એન્ડ ગ્રીટ સેવા છે, જે મુસાફરોને એરપોર્ટ પર સહાય પૂરી પાડે છે. આ ઘટના પર એરપોર્ટ દ્વારા તપાસની ખાતરી આપવામાં આવી છે.