સત્ય. સાહસ. સંકલ્પ.

આદિત્ય ગઢવી અને જિગરાના ત્રણ નવા ગીત રિલીઝ: 'હરિ બોલ', 'નેહ નેહ' અને 'હેટ એન્થમ ઓફ ધ યર'

આદિત્ય ગઢવી અને જિગરાના ત્રણ નવા ગીત રિલીઝ: 'હરિ બોલ', 'નેહ નેહ' અને 'હેટ એન્થમ ઓફ ધ યર'

ગુજરાતી સિનેમા માટે આ નવેમ્બર અને ડિસેમ્બર મહિનો ખાસ બની રહ્યો છે. લોકપ્રિય ગાયકો આદિત્ય ગઢવી અને જિગરદાન ગઢવી (જિગ્રા)ના અવાજમાં ત્રણ અલગ-અલગ ગુજરાતી ફિલ્મોના ગીતો રિલીઝ થયા છે, જે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.

'રફ એન્ડ ટફ કન્યા'નું ટાઇટલ સોંગ: ફિલ્મ 'રફ એન્ડ ટફ કન્યા'ના મેકર્સે ટાઇટલ સોંગ રિલીઝ કર્યું છે. આ ગીતને 'હેટ એન્થમ ઓફ ધ યર' કહેવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે પ્રેમ અને કેમેસ્ટ્રી પર આધારિત રોમેન્ટિક ગીતો સાંભળવા મળે છે, પરંતુ આ ગીતમાં રફ સસરા અને ટફ જમાઈ વચ્ચેની રમૂજી નોકઝોક દર્શાવવામાં આવી છે. જિગરાએ આ ગીતમાં અલગ અંદાજમાં ગાયું છે. એન્ડ્રુ સેમ્યુઅલનું સંગીત અને ઉજ્જવલ દવેના શબ્દો છે. અભિનેતા હિતેન કુમારે જણાવ્યું કે આ ગીતનો કોન્સેપ્ટ નવો છે અને રવિ ગોહિલ સાથે શૂટિંગનો અનુભવ આનંદદાયક રહ્યો. બિરલા સ્ટુડિયોઝ પ્રસ્તુત અને બિગ બોક્સ સિરીઝ પ્રોડક્શનની આ ફિલ્મનું દિગ્દર્શન યશ વૈષ્ણવે કર્યું છે. ફિલ્મ 20 નવેમ્બર, 2026ના રોજ રિલીઝ થશે.

'કિંગ ઓફ સાળંગપુર'નું 'હરિ બોલ': હનુમાનજી મહારાજને સમર્પિત ફિલ્મ 'કિંગ ઓફ સાળંગપુર'નું ભક્તિમય ગીત 'હરિ બોલ' રિલીઝ થયું છે. આદિત્ય ગઢવીના અવાજમાં ગવાયેલું આ ગીત ભક્તોમાં ઉત્સાહ અને ભક્તિભાવ જગાડે છે. પ્રશાંત દેશાવલ દ્વારા નિર્દેશિત આ ફિલ્મના નિર્માતા ધ્રુવ દેશાવલ, અમિત સંતોકી, ચેતન ઠુમ્મર, આનંદ અઘારા અને હાર્દિક છે. ફિલ્મ 27 નવેમ્બર, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

'અંબા'નું 'નેહ નેહ': ચારણ પરંપરાના વારસદાર આદિત્ય ગઢવીના કંઠે ગીરના જંગલ અને નિર્દોષ મિત્રતાની લાગણી દર્શાવતું ગીત 'નેહ નેહ' રિલીઝ થયું છે. ફિલ્મ 'અંબા' માટેનું આ ગીત કેદાર-ભાર્ગવે સંગીતબદ્ધ કર્યું છે અને સૌમ્ય જોશીએ લખ્યું છે. નીમટ્રી એન્ટરટેઈનમેન્ટ પ્રસ્તુત અને વિજયગીરી ફિલ્મોસ પ્રોડક્શનની આ ફિલ્મનું નિર્દેશન વિજયગીરી બાવાએ કર્યું છે અને નિર્માતા ભૂમિ નાથવાણી છે. ફિલ્મમાં રીવા રાચ્છ, દર્શન પંડ્યા, જગજીતસિંહ વાઢેર, એલેસાન્ડ્રા વ્હેલન, ગૌરાંગ આનંદ, ફિરોઝ ઈરાની, સ્વાતિ દવે, રિદ્ધિ ડાંગર, આકાશ ઝાલા અને ઈમરાન બાદશાહ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ ડિસેમ્બર 2026માં રિલીઝ થશે.