સત્ય. સાહસ. સંકલ્પ.

અદાણી ગેસનો નફો 5.9% વધ્યો, આવક 34% ઊછળી; 16 નવા CNG સ્ટેશન ખૂલ્યા

અદાણી ગેસનો નફો 5.9% વધ્યો, આવક 34% ઊછળી; 16 નવા CNG સ્ટેશન ખૂલ્યા

અદાણી ટોટલ ગેસે આ વર્ષના બીજા ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા છે. કંપનીને ₹173 કરોડનો ચોખ્ખો નફો થયો છે, જે ગયા વર્ષના આ જ સમયગાળામાં ₹163 કરોડ હતો. એટલે કે નફામાં આશરે 5.9%નો વધારો થયો છે.

કંપનીની આવક 34% વધીને ₹2,109 કરોડ પર પહોંચી ગઈ છે, જે ગયા વર્ષે આ જ સમયગાળામાં ₹1,576 કરોડ હતી. CNG અને ઘરોમાં રસોઈ માટે વપરાતા PNGની માંગ વધવાને કારણે કંપનીની કમાણીમાં આ તેજી જોવા મળી છે.

શેરબજારમાં અદાણી ટોટલ ગેસનો શેર આજે 0.70% ઘટીને ₹555 પર બંધ થયો. છેલ્લા એક વર્ષમાં આ શેર 11% ઘટ્યો છે. રિસર્ચ એનાલિસ્ટ વિરાટ જગદના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી શેર ₹582ને પાર ન કરે ત્યાં સુધી નવી ખરીદીથી બચવું જોઈએ.

પ્રથમ ત્રિમાસિક ગાળામાં કંપનીનો નફો 14.2% ઘટીને ₹141.7 કરોડ રહ્યો હતો, જે ગયા વર્ષના સમાન ત્રિમાસિકમાં ₹165.2 કરોડ હતો. જ્યારે ઓપરેશનલ આવક 27.3% વધીને ₹1,907 કરોડ પર પહોંચી હતી.

બીજા ત્રિમાસિક ગાળામાં કંપનીએ 16 નવા CNG સ્ટેશન શરૂ કર્યા છે, જેના કારણે દેશભરમાં કંપનીના કુલ સ્ટેશનોની સંખ્યા 723 થઈ ગઈ છે. આ ઉપરાંત 39,574 નવા પરિવારોને પાઇપલાઇન સાથે જોડવામાં આવ્યા છે, જેના કારણે હવે કુલ 11.81 લાખથી વધુ ઘરોમાં ગેસ પહોંચાડી શકાય છે.

કોમર્શિયલ અને ઔદ્યોગિક ગ્રાહકોની સંખ્યામાં પણ વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન 442 નવા ગ્રાહકો જોડાયા, જેના કારણે તેમની કુલ સંખ્યા 10,864 સુધી પહોંચી ગઈ છે. જમીનની નીચે 318 ઇંચ-કિમી નવી સ્ટીલ પાઇપલાઇન બિછાવવામાં આવી, જેના કારણે કુલ નેટવર્ક વધુ મજબૂત બન્યું છે.

અદાણી ટોટલ ગેસ અને ઇન્ડિયન ઓઇલનું સંયુક્ત સાહસ પણ છે. બંને કંપનીઓ મળીને દેશભરમાં 1,185 CNG સ્ટેશન ધરાવે છે અને 14.31 લાખથી વધુ ઘરોમાં પાઇપ દ્વારા ગેસ પહોંચાડે છે, જેના કારણે દરરોજ આશરે 60 લાખ લોકો રસોઈ બનાવી રહ્યા છે.

કંપનીના CEO સંજય પંડિતાએ જણાવ્યું કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ, મોંઘા ગેસ અને નબળા રૂપિયાની સ્થિતિ છતાં કંપનીએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. CNGની વધતી માંગ અને નવા ઘરો સુધી પાઇપલાઇનના વિસ્તરણની સચોટ વ્યૂહરચાને કારણે આવકમાં 34%નો ઉછાળો આવ્યો છે.

અદાણી ટોટલ ગેસ દેશના વિવિધ શહેરોમાં સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક તૈયાર કરી રહી છે. કંપની ઘરો, દુકાનો અને ફેક્ટરીઓ સુધી પાઇપ દ્વારા PNG પહોંચાડે છે અને વાહનો માટે CNG ઉપલબ્ધ કરાવે છે. કંપનીએ ગુજરાતના અમદાવાદ અને વડોદરા, હરિયાણાના ફરીદાબાદ અને ઉત્તર પ્રદેશના ખુર્જામાં પોતાનું ગેસ નેટવર્ક પહેલેથી તૈયાર કરી લીધું છે. અદાણી ટોટલ ગેસ અને ઇન્ડિયન ઓઇલ મળીને પ્રયાગરાજ, ચંડીગઢ, એર્નાકુલમ, પાણીપત, દમણ, ધારવાડ અને ઉધમસિંહ નગર જેવા વિસ્તારોમાં પણ નેટવર્કનો વિસ્તાર કરી રહ્યા છે. કંપનીના ચેરમેન ગૌતમ અદાણી છે અને CEO સંજય પંડિતા છે. આ કંપની ઓગસ્ટ 2005માં સ્થાપિત થઈ હતી.