સત્ય. સાહસ. સંકલ્પ.

અદાણીએ વ્યવસાયની જવાબદારી 4 ઉત્તરાધિકારીઓને સોંપવાની જાહેરાત કરી: 2 પુત્રો અને 2 ભત્રીજા સામેલ

અદાણીએ વ્યવસાયની જવાબદારી 4 ઉત્તરાધિકારીઓને સોંપવાની જાહેરાત કરી: 2 પુત્રો અને 2 ભત્રીજા સામેલ

અદાણી ગ્રુપના સ્થાપક અને અધ્યક્ષ 64 વર્ષીય ગૌતમ અદાણીએ તેમના વ્યવસાયિક સામ્રાજ્યની જવાબદારી પરિવારના ચાર સભ્યોની ટીમને સોંપવાની યોજના જાહેર કરી છે. આ ટીમમાં તેમના બે પુત્રો કરણ અને જીત તથા બે ભત્રીજા પ્રણવ અને સાગરનો સમાવેશ થાય છે. જોકે, તેમને સંપૂર્ણ નિયંત્રણ ક્યારે સોંપવામાં આવશે તે અંગે કોઈ સમયરેખા જાહેર કરવામાં આવી નથી.

ફૉર્ચ્યુન ઇન્ડિયા સાથેની ખાસ વાતચીતમાં અદાણીએ કહ્યું, ‘આગામી પેઢીને નેતૃત્વ વારસામાં મળતું નથી. તેને હાંસલ કરવાની જવાબદારી વારસામાં મળે છે.’

ભારતીય શેરબજારોમાં લિસ્ટેડ અદાણી ગ્રુપની એક ડઝન કંપનીઓનું માર્કેટ કેપ 17 લાખ કરોડ રૂપિયાથી વધુ છે, જ્યારે ગૌતમ અદાણીની વ્યક્તિગત સંપત્તિ આશરે 10.11 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવે છે.

ચાર ઉત્તરાધિકારીઓ:

1. કરણ અદાણી (39 વર્ષ): 2009માં મુન્દ્રા પોર્ટ પર કાર્યકારી ગ્રુપ સાથે જોડાયા અને 2016માં અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના CEO બન્યા. તાજેતરમાં કંપનીએ ‘ઇવોસ’નું લગભગ 2.41 લાખ કરોડ રૂપિયામાં અધિગ્રહણ કર્યું છે.

2. જીત અદાણી (29 વર્ષ): 2019માં ગ્રુપ સાથે જોડાયા અને કારકિર્દીની શરૂઆત ગ્રુપના CFOની ઑફિસથી કરી. તેઓ અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL)માં નિયામક છે, જે આઠ એરપોર્ટના સંચાલનનું કામ સંભાળે છે.

3. પ્રણવ અદાણી (48 વર્ષ): અદાણી એન્ટરપ્રાઇઝિસ લિમિટેડના ડિરેક્ટર અને એગ્રો, ઓઇલ એન્ડ ગેસના મેનેજિંગ ડિરેક્ટર છે. તેમણે 1999માં એગ્રી-કોમોડિટી સંયુક્ત સાહસ ‘અદાણી વિલ્મર’ સાથે નેતૃત્વની શરૂઆત કરી હતી.

4. સાગર અદાણી (32 વર્ષ): અદાણી ગ્રીન એનર્જીના કાર્યકારી નિયામક છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક થયા બાદ 2015માં ગ્રુપ સાથે જોડાયા. તેમને અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના સમગ્ર સૌર અને પવન પોર્ટફોલિયોના નિર્માણનો શ્રેય આપવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, ગૌતમ અદાણી દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ છે. ઓક્ટોબરમાં જાહેર થયેલી ફોર્બ્સની 2026ની ભારતના 100 સૌથી અમીર લોકોની યાદીમાં તેઓ ત્રણ વર્ષ બાદ ફરી નંબર-1 બન્યા હતા. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને તેમના પરિવારની કુલ સંપત્તિ ₹10.85 લાખ કરોડ (11,270 કરોડ ડૉલર) આંકવામાં આવી છે, જે ગયા વર્ષની સરખામણીએ ₹1.99 લાખ કરોડ (2,070 કરોડ ડૉલર)નો વધારો દર્શાવે છે. ડૉલરના હિસાબે તેઓ આ વર્ષે યાદીમાં સૌથી વધુ સંપત્તિ વધારનાર ઉદ્યોગપતિ પણ રહ્યા છે. જોકે, તેમની સંપત્તિ હજુ પણ 2022ના ₹14.43 લાખ કરોડ (15,000 કરોડ ડૉલર)ના શિખરથી ઓછી છે.

આ યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી બીજા સ્થાને સરકી ગયા છે. તેમની સંપત્તિ ₹1.80 લાખ કરોડ ઘટીને ₹8.3 લાખ કરોડ રહી ગઈ છે. ફોર્બ્સ અનુસાર, વિવિધ વ્યવસાયોમાં માર્જિન પર દબાણની અસર રિલાયન્સના શેરો પર પડી છે.