નવી દિલ્હી: અદાણી ગ્રુપની પાંચ કંપનીઓએ ભારતીય શેરબજાર નિયંત્રક સેબી (SEBI) સાથે ચાલી રહેલો એક કાનૂની વિવાદ સમાધાન દ્વારા પૂરો કર્યો છે. આ કંપનીઓએ કુલ 1.5 કરોડ રૂપિયા સેટલમેન્ટ ફી ચૂકવી છે.
આ મામલો કંપનીઓના સંબંધિત પક્ષ સાથેના વ્યવહારો (RPT), ઓડિટ અને લિમિટેડ રિવ્યૂ રિપોર્ટના ખુલાસા સંબંધિત નિયમોના ઉલ્લંઘન સાથે જોડાયેલો હતો. સેબીના સેટલમેન્ટ ઓર્ડર મુજબ, આ કાર્યવાહી જાન્યુઆરી 2023માં અમેરિકન શોર્ટ-સેલિંગ ફર્મ હિન્ડનબર્ગ રિસર્ચના અહેવાલ બાદ શરૂ થયેલી તપાસના આધારે શરૂ થઈ હતી.
અદાણી ગ્રુપ પર શું આરોપો હતા?
આ મામલો મુખ્યત્વે બે બાબતો સાથે સંકળાયેલો હતો: સંબંધિત પક્ષ સાથેના વ્યવહારોનો ખુલાસો ન કરવો, અને માન્ય પીઅર રિવ્યૂ સર્ટિફિકેટ ધરાવતી ન હોય તેવી ઓડિટ ફર્મ પાસે ઓડિટ રિપોર્ટ પર હસ્તાક્ષર કરાવવા.
RPT જાહેર ન કરવું: અદાણી એન્ટરપ્રાઇઝિસ લિમિટેડ (AEL) પર આરોપ હતો કે તેણે નાણાકીય વર્ષ 2013ના પોતાના વાર્ષિક અહેવાલમાં તેની સહાયક કંપની અદાણી એસ્ટેટ્સ પ્રાઇવેટ લિમિટેડ અને તેની સંબંધિત-પક્ષ વાકોડર ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ વચ્ચે થયેલા વ્યવહારનો ખુલાસો કર્યો ન હતો.
પીયર રિવ્યૂ સર્ટિફિકેટ વિના હસ્તાક્ષર: AELના નાણાકીય વર્ષ 2015ના ઓડિટ રિપોર્ટ અને જૂન 2015ના ત્રિમાસિક ગાળાના લિમિટેડ રિવ્યૂ રિપોર્ટ પર એવી ઓડિટ ફર્મે હસ્તાક્ષર કર્યા હતા, જેની પાસે માન્ય પીયર રિવ્યૂ સર્ટિફિકેટ ન હતું. આ ઉપરાંત જૂન 2017, સપ્ટેમ્બર 2017 અને ડિસેમ્બર 2021ના ત્રિમાસિક ગાળાના લિમિટેડ રિવ્યૂ રિપોર્ટ પર પણ આવી જ રીતે પીયર રિવ્યૂ સર્ટિફિકેટ વિનાની ફર્મે હસ્તાક્ષર કર્યા હતા.
અન્ય ચાર કંપનીઓ પર આરોપ: અદાણી ટોટલ ગેસ, AWL એગ્રી બિઝનેસ, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી એનર્જી સોલ્યુશન્સ પર પણ માન્ય પીયર રિવ્યૂ સર્ટિફિકેટ વિનાની ઓડિટ ફર્મ પાસે લિમિટેડ-રિવ્યૂ અથવા ઓડિટ રિપોર્ટ પર હસ્તાક્ષર કરાવવાનો આરોપ હતો.
સેબીએ ફેબ્રુઆરી 2024માં કારણદર્શક નોટિસ મોકલી હતી
સેબીએ ફેબ્રુઆરી 2024માં આ કંપનીઓને કારણ બતાવો એટલે કે શો-કૉઝ નોટિસ જાહેર કરી હતી. તેમાં કંપનીઓને પૂછવામાં આવ્યું હતું કે નિયમોના ઉલ્લંઘન માટે તેમની સામે તપાસ કેમ ન કરવામાં આવે અને દંડ કેમ ન ફટકારવામાં આવે.
કાર્યવાહી લંબાતી રહે તે દરમિયાન અદાણી ગ્રુપની આ કંપનીઓએ તથ્યોના તારણો અને કાયદાકીય પરિણામોને સ્વીકાર્યા કે નકાર્યા વિના સમાધાનનો પ્રસ્તાવ મૂક્યો હતો.
જૂન 2026માં ભલામણ, ઓગસ્ટમાં મંજૂરી
સેબીની હાઈ પાવર્ડ એડવાઇઝરી કમિટીએ જૂન 2026માં સમાધાનની શરતોની ભલામણ કરી હતી. ત્યારબાદ 13 ઓગસ્ટે પૂર્ણકાલીન સભ્યોની પેનલે તેને સ્વીકારી લીધી. સમાધાનની રકમ પ્રાપ્ત થયા બાદ સેબીએ આ સંબંધમાં ઔપચારિક આદેશ જાહેર કર્યો.
હિંડનબર્ગના આરોપોમાંથી સપ્ટેમ્બર 2025માં રાહત મળી હતી
જાન્યુઆરી 2023માં હિન્ડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રુપ વિરુદ્ધ એક અહેવાલ જાહેર કર્યો હતો. તેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે એડિકોર્પ એન્ટરપ્રાઇઝિઝ, માઇલસ્ટોન ટ્રેડલિંક્સ અને રહવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી કંપનીઓનો ઉપયોગ અદાણી પાવર અને અદાણી એન્ટરપ્રાઇઝિઝમાં ફંડ રુટ કરવા માટે કરવામાં આવ્યો હતો.
જોકે, સપ્ટેમ્બર 2025માં સેબીએ ગૌતમ અદાણી અને તેમના ગ્રુપને સ્ટોક મેનિપ્યુલેશન (શેરોમાં હેરફેર)ના આરોપોમાંથી સંપૂર્ણપણે મુક્ત કરી દીધા હતા. સેબીની તપાસમાં એવો કોઈ પુરાવો મળ્યો નહોતો, જેનાથી સાબિત થઈ શકે કે ગ્રુપે પોતાની લિસ્ટેડ કંપનીઓમાં નાણાં રુટ કરવા માટે સંબંધિત પક્ષોનો ઉપયોગ કર્યો હતો.
RPT અને પીયર રિવ્યૂ સર્ટિફિકેટ શું હોય છે?
સંબંધિત પક્ષ સાથેનો વ્યવહાર (RPT): જ્યારે કોઈ કંપની પોતાના જ ગ્રુપની અન્ય કંપની, પ્રમોટર અથવા તેમના નજીકના લોકો સાથે કોઈ વ્યાવસાયિક અથવા નાણાકીય વ્યવહાર કરે છે, ત્યારે તેને સંબંધિત પક્ષ સાથેનો વ્યવહાર કહેવામાં આવે છે. શેરધારકોના હિતોની રક્ષા માટે તેની માહિતી વાર્ષિક અહેવાલમાં જાહેર કરવી ફરજિયાત હોય છે.
પીઅર રિવ્યૂ સર્ટિફિકેટ: ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા (ICAI) દ્વારા ઑડિટ ફર્મોને આ સર્ટિફિકેટ આપવામાં આવે છે. તે પ્રમાણિત કરે છે કે ઑડિટ ફર્મ ગુણવત્તાના ધોરણોનું પાલન કરી રહી છે. લિસ્ટેડ કંપનીઓના નાણાકીય હિસાબો પર સહી કરવા માટે ઑડિટ ફર્મ પાસે આ સર્ટિફિકેટ હોવું જરૂરી છે.
સેબી સેટલમેન્ટ: આમાં આરોપી કંપની અથવા વ્યક્તિ પોતાનો દોષ સ્વીકાર્યા કે નકાર્યા વિના, નિર્ધારિત ફી ચૂકવીને મામલાનો કાનૂની નિકાલ કરી શકે છે.