અમદાવાદઃ અદાણી ગ્રુપની વીજ કંપની અદાણી પાવરે ગુરુવારે જાહેરાત કરી કે તે GVK એનર્જીની 100% હિસ્સેદારી અને નિયંત્રણ ખરીદવા જઈ રહી છે. આ ડીલ માટે સ્પર્ધા આયોગ (CCI) અને લેણદારોની સમિતિ (CoC) બંને તરફથી મંજૂરી મળી ગઈ છે અને કંપનીને લેટર ઓફ ઇન્ટેન્ટ (LOI) પણ મળી ગયો છે.
અદાણી પાવરે શેરબજારને આપેલી માહિતીમાં જણાવ્યું કે, GVK એનર્જીના રિઝોલ્યુશન પ્રોફેશનલે 7 સપ્ટેમ્બરે LOI બહાર પાડ્યો છે. GVK એનર્જી પાસે ઉત્તરાખંડમાં 330 મેગાવોટનો હાઇડ્રો પાવર પ્રોજેક્ટ છે, જે તેની પેટાકંપની અલકનંદા હાઇડ્રો પાવર કંપની દ્વારા સંચાલિત થાય છે.
આ અધિગ્રહણ કોર્પોરેટ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રોસેસ (CIRP) હેઠળ થઈ રહ્યું છે, જે ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ હેઠળ ચાલે છે. CCIએ મે મહિનામાં આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી હતી.
જોકે, LOI મળવાનો અર્થ એ નથી કે અધિગ્રહણ પૂર્ણ થઈ ગયું છે. આ ડીલ પૂર્ણ કરવા માટે હજુ પણ કેટલીક મંજૂરીઓ જરૂરી છે. અદાણી પાવરે જણાવ્યું છે કે, આ પ્રક્રિયા LOIની શરતોને આધીન છે. આ ઉપરાંત, હૈદરાબાદ સ્થિત નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) પાસેથી પણ મંજૂરી લેવી પડશે. જરૂર પડ્યે અન્ય નિયમનકારી સત્તાવાળાઓ, કોર્ટ કે ટ્રિબ્યુનલ પાસેથી પણ મંજૂરી લેવી પડી શકે છે.
અદાણી પાવરનો શેર 7 સપ્ટેમ્બરે NSE પર 1.31% ઘટીને ₹204.49 પર બંધ થયો હતો. છેલ્લા 6 મહિનામાં સ્ટોક 46.93% વધ્યો છે, જ્યારે 1 વર્ષમાં તે 61.24% નું વળતર આપી ચૂક્યો છે. કંપનીનું માર્કેટ કેપ 78.97 હજાર કરોડ રૂપિયા છે.
નોંધઃ અહીં આપેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેર, સોના-ચાંદી, મ્યુચ્યુઅલ ફંડ અથવા IPOમાં રોકાણ કરવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે.