સત્ય. સાહસ. સંકલ્પ.

અદાણી એન્ટરપ્રાઇઝિસનો નફો 55% ઘટ્યો, આવક 75% વધી

અદાણી એન્ટરપ્રાઇઝિસનો નફો 55% ઘટ્યો, આવક 75% વધી

અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસ લિમિટેડે નાણાકીય વર્ષ 2027ના બીજા ત્રિમાસિક ગાળા (જુલાઈ-સપ્ટેમ્બર)ના પરિણામો જાહેર કર્યા છે. કંપનીનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 55% ઘટીને ₹1,492 કરોડ થયો છે, જ્યારે ગયા વર્ષના સમાન ગાળામાં તે ₹3,304 કરોડ હતો.

આ ત્રિમાસિક ગાળામાં કંપનીની આવક (રેવન્યુ) 75% વધીને ₹37,215 કરોડ થઈ છે, જે ગયા વર્ષે ₹21,248 કરોડ હતી. આવકમાં નોંધપાત્ર વધારો થયો હોવા છતાં નફો ઘટવાનું કારણ ખર્ચમાં થયેલો વધારો છે.

કંપનીના આ પરિણામો બજાર નિષ્ણાતોના અનુમાન કરતાં નબળા માનવામાં આવી રહ્યા છે, કારણ કે નફો અપેક્ષા કરતાં ઘણો ઓછો રહ્યો છે. પરિણામો જાહેર થયા બાદ NSE પર કંપનીનો શેર લગભગ 1% ઘટીને ₹2,474ના સ્તરે ટ્રેડ થયો હતો. જોકે, આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધી (YTD) શેરમાં લગભગ 10%નો વધારો થયો છે. કંપનીનું માર્કેટ કેપ ₹2.85 લાખ કરોડ છે.

કંપની મેનેજમેન્ટનું કહેવું છે કે આવકમાં 75%નો વધારો દર્શાવે છે કે કોર ઇન્ક્યુબેશન પોર્ટફોલિયો સારું પ્રદર્શન કરી રહ્યો છે. ખર્ચમાં વધારો નવા અને મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં મૂડી રોકાણને કારણે થયો છે, જે લાંબા ગાળે લાભ આપશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે.

કંપની હાલમાં એરપોર્ટ્સ (જેમ કે મુંબઈ T1Bનું પુનર્વિકાસ) અને રોડ પ્રોજેક્ટ્સના ઝડપી વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આવનારા ત્રિમાસિક ગાળામાં ગ્રીન હાઇડ્રોજન, સોલર મેન્યુફેક્ચરિંગ અને ડેટા સેન્ટર સેગમેન્ટના વ્યાવસાયિક સંચાલનને વેગ આપવાની યોજના છે.

અદાણી એન્ટરપ્રાઇઝિસ લિમિટેડ અદાણી ગ્રુપનો ભાગ છે. 1988માં ગૌતમ અદાણીએ તેની સ્થાપના કરી હતી. કંપનીના ચેરમેન ગૌતમ અદાણી, મેનેજિંગ ડિરેક્ટર રાજેશ અદાણી અને CEO વિનય પ્રકાશ છે. કંપની એનર્જી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર કામ કરે છે અને દેશની સૌથી મોટી બિઝનેસ ઇન્ક્યુબેટર ગણાય છે. તે એનર્જી એન્ડ યુટિલિટી, ટ્રાન્સપોર્ટેશન એન્ડ લોજિસ્ટિક્સ, કન્ઝ્યુમર ગુડ્સ અને પ્રાઇમરી ઇન્ડસ્ટ્રી ક્ષેત્રોમાં કાર્યરત છે.