સત્ય. સાહસ. સંકલ્પ.

શિયાળામાં AC બંધ કરતા પહેલા આ 3 કામ કરો, નહીંતર 22,000 રૂપિયા સુધીનું નુકસાન

શિયાળામાં AC બંધ કરતા પહેલા આ 3 કામ કરો, નહીંતર 22,000 રૂપિયા સુધીનું નુકસાન

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને હવે આગામી પાંચથી છ મહિના સુધી એર કન્ડિશનર (AC)નો ઉપયોગ ભાગ્યે જ થશે. આ સમયે મોટાભાગના લોકો ઘરની અંદરના ઇન્ડોર યુનિટને કવર કરીને છોડી દે છે, પરંતુ બાલ્કની કે ધાબા પર લટકતા આઉટડોર યુનિટને ધ્યાનમાં લેવામાં આવતું નથી. જ્યારે કે AC સિસ્ટમનો મુખ્ય ભાગ આ આઉટડોર યુનિટ જ છે. મહિનાઓ સુધી બંધ રહેવાથી ધૂળ, ધુમાડો, ભેજ અને પક્ષીઓની ગંદકી તેના પર જમા થઈ જાય છે, જેનાથી કોઇલ કાટ ખાઈ શકે છે અને સર્કિટ બોર્ડ સુધી નુકસાન પહોંચી શકે છે.

બંધ પડેલું AC કેમ બગડે છે? જ્યારે AC ચાલુ હોય છે ત્યારે પંખાના હવાના દબાણને કારણે ધૂળ જમા થતી નથી અને નિયમિત સર્વિસ પણ થતી રહે છે. પરંતુ લાંબા સમય સુધી બંધ રહેવાથી ધૂળ, ધુમાડો અને સ્મોગનું ઝીણું પડ કોઇલ પર ચોંટી જાય છે. સવારના ઝાકળ સાથે મળીને તે કાદવ જેવું બની જાય છે. આઉટડોર યુનિટ ખુલ્લામાં હોવાથી તેને સૌથી વધુ નુકસાન થાય છે. ભેજને કારણે કોપર પાઇપ, ફેન બ્લેડ અને બોડીમાં કાટ લાગે છે. ઘણીવાર પાણી અંદર જતાં વાયરિંગ અને PCB પણ બગડે છે.

આ બેદરકારી મોટો આર્થિક બોજ બની શકે છે. 1.5 ટન સ્પ્લિટ ACની કોઇલ ડિસ્કેલિંગ અને સામાન્ય સફાઈમાં 1,500થી 3,000 રૂપિયા ખર્ચાય છે. બહારના પંખાની મોટર બગડે તો 1,800થી 4,500 રૂપિયા, ઇન્વર્ટર ACનું PCB બોર્ડ ખરાબ થાય તો 3,500થી 8,500 રૂપિયા, કન્ડેન્સર કોઇલ બદલવાની નોબત આવે તો 4,500થી 9,000 રૂપિયા અને કોમ્પ્રેસર જ બળી જાય તો 10,000થી 22,000 રૂપિયા સુધીનો ખર્ચ થઈ શકે છે. જ્યારે બજારમાં 250 રૂપિયાનું સામાન્ય કવર પણ યોગ્ય રીતે વપરાય તો આટલા મોટા ખર્ચથી બચી શકાય છે. બ્રાન્ડેડ કવર 325થી 350 રૂપિયાના ભાવે મળે છે.

કવર ખરીદતી વખતે ધ્યાન રાખો કે તે ACના વજન અને ક્ષમતા (1 ટન કે 1.5 ટન) મુજબ યોગ્ય સાઇઝનું હોય. ખોટી સાઇઝનું કવર ધૂળ અંદર જવા દે છે. કવરનું મટિરિયલ વોટર-રેસિસ્ટન્ટ હોવું જોઈએ અને તેમાં ઇલાસ્ટિક અથવા દોરી હોવી જોઈએ, જેથી પવનમાં ઊડી ન જાય.

કવર લગાવતા પહેલા આ ત્રણ કામ જરૂર કરો:

1. AC યુનિટ સંપૂર્ણપણે સૂકું હોય તેની ખાતરી કરો. ભીના કપડાથી લૂછશો નહીં; સૂકા કપડાથી સાફ કર્યા પછી જ કવર ચડાવો.

2. કવર લગાવ્યા પછી ACનો પ્લગ સ્વિચબોર્ડમાંથી બહાર કાઢી લો.

3. કવરને નીચેના ભાગેથી સહેજ ખુલ્લું રાખો જેથી હવાની અવરજવર થાય અને અંદર ભેજ કે વરાળ ન ભરાય.

શક્ય હોય તો કવર કરતા પહેલા એકવાર સામાન્ય સર્વિસ કરાવી લેવી સારી રહેશે. સર્વિસ પછી યુનિટને એક દિવસ સૂકવા દો અને પછી કવર લગાવો. આમ કરવાથી આવતા ઉનાળામાં AC સરળતાથી ચાલુ થશે.