તહેવારોની સિઝનમાં ઇલેક્ટ્રોનિક્સ અને કન્ઝ્યુમર એપ્લાયન્સ ખરીદવાની યોજના બનાવી રહેલા ગ્રાહકોના ખિસ્સા પર બોજ વધવાનો છે. 1 ઓક્ટોબરથી કંપનીઓ AC, LED TV, વોશિંગ મશીન અને ફ્રિજ જેવા પ્રોડક્ટ્સની કિંમતોમાં 8% સુધીનો વધારો કરવા જઈ રહી છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં કૉપર, સ્ટીલ, એલ્યુમિનિયમ અને ક્રૂડ ઑઇલ સાથે જોડાયેલા કાચા માલની કિંમતોમાં થયેલા વધારા અને કરન્સીમાં ઉતાર-ચઢાવને કારણે કંપનીઓએ આ નિર્ણય લીધો છે. વર્ષ 2026માં કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રી તરફથી કિંમતોમાં આ ત્રીજો વધારો હશે.
ઉદ્યોગ નિષ્ણાતો અનુસાર, એર કન્ડિશનરની કિંમતોમાં સૌથી વધુ 5%થી 8% સુધીનો ઉછાળો આવશે. જ્યારે વૉશિંગ મશીન, રેફ્રિજરેટર અને LED TVના ભાવમાં પણ 3%થી 4% સુધીનો વધારો જોવા મળી શકે છે.
બ્લૂ સ્ટાર, ગોદરેજ એપ્લાયન્સિસ, હાયર, ડાઇકિન અને સુપર પ્લાસ્ટ્રોનિક્સ જેવી દિગ્ગજ કંપનીઓએ 4%થી 10% સુધીના વધારાની પુષ્ટિ કરી છે. LG અને બોશ હોમ કમ્ફર્ટ (હિતાચી)એ ACના ભાવમાં આશરે 5% સુધીનો વધારો કરી દીધો છે, જ્યારે પેનાસોનિક ભાવ વધારતા પહેલાં સમીક્ષા કરી રહી છે અને ત્યારબાદ ભાવવધારા અંગે નિર્ણય લેશે.
હાયર ઇન્ડિયાના પ્રેસિડેન્ટ એનએસ સતીશે જણાવ્યું કે તાંબાના ભાવ છેલ્લા એક વર્ષમાં 8,000-9,000 ડૉલરથી વધીને પ્રતિ મેટ્રિક ટન 14,500 ડૉલર સુધી પહોંચી ગયા છે. એક ACમાં 3થી 4 કિલો તાંબાનો ઉપયોગ થાય છે. અમે 1 ઓક્ટોબરથી ACના ભાવમાં 5% વધારો કરી રહ્યા છીએ. ઓક્ટોબરથી જાન્યુઆરી વચ્ચે અલગ-અલગ તબક્કામાં કુલ 15% વધારાનો અંદાજ છે.
કંપનીઓનું માનવું છે કે તહેવારોમાં વેચાણ પર ભાવ વધારાની અસર મર્યાદિત જ રહેશે. તેનું કારણ એ છે કે મોટાભાગના ડીલર્સ અને ડિસ્ટ્રિબ્યુટર્સે ઑગસ્ટ અને સપ્ટેમ્બરની પ્રી-બાઇંગ યોજનાઓ હેઠળ જૂનો સ્ટોક પહેલેથી જ ખરીદી લીધો છે. સપ્લાય પાઇપલાઇનમાં 1થી 1.5 મહિનાનો જૂનો સ્ટોક ઉપલબ્ધ છે, જેનો લાભ લઈને ગ્રાહકો દિવાળી સુધી જૂના ભાવે જ ઇલેક્ટ્રોનિક્સ સામાન ખરીદી શકશે. નવા ભાવ દિવાળી બાદ સંપૂર્ણપણે લાગુ થશે.