સત્ય. સાહસ. સંકલ્પ.

SIR વિવાદ પર ABVPનો કોંગ્રેસ વિરોધ: અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન પાસે ધરણું, પોલીસ સાથે ઘર્ષણ

SIR વિવાદ પર ABVPનો કોંગ્રેસ વિરોધ: અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન પાસે ધરણું, પોલીસ સાથે ઘર્ષણ

અમદાવાદ: મતદાર યાદીમાં સુધારણા (SIR) પ્રક્રિયા સામે કોંગ્રેસ અને CJPના આંદોલન વચ્ચે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) પણ મેદાને ઉતરી છે. રાહુલ ગાંધી અને CJP યુવાનોને ખોટા રસ્તે દોરી રહ્યા હોવાના આરોપ સાથે ABVP કાર્યકર્તાઓએ શુક્રવારે અમદાવાદના પાલડી સ્થિત રાજીવ ગાંધી ભવન ખાતે બેનરો અને પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ABVPના કાર્યકર્તાઓએ 'કોંગ્રેસ મુર્દાબાદ' અને 'રાહુલ ગાંધી મુર્દાબાદ'ના નારા લગાવ્યા હતા. તેઓ બેરિકેટ પર ચઢીને પણ નારા લગાવતા જોવા મળ્યા હતા. આ દરમિયાન કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું.

વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને પોલીસે રાજીવ ગાંધી ભવન ખાતે મોટી સંખ્યામાં બંદોબસ્ત ગોઠવ્યો હતો. JCP સહિત 100થી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા અને બેરિકેટિંગ લગાવીને ભવન તરફ જતા ત્રણેય રસ્તા બંધ કરી દેવામાં આવ્યા હતા. રેલી સાથે ભવન તરફ જતા ABVP કાર્યકર્તાઓને પોલીસે અટકાવતાં ઘર્ષણ સર્જાયું હતું.

આ પહેલાં દિલ્હીમાં કોંગ્રેસ અને CJP દ્વારા SIR પ્રક્રિયા વિરુદ્ધ આંદોલન કરવામાં આવી રહ્યું છે. આંદોલનકારીઓનો આરોપ છે કે SIR પ્રક્રિયાના નામે દેશભરમાંથી 13 કરોડ જેટલા મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા છે. તેઓ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના તાત્કાલિક રાજીનામાની માંગ કરી રહ્યા છે.

ABVPએ આ આંદોલનનો વિરોધ કરતાં કહ્યું કે વિદેશી ફંડિંગના કારણે અરાજકતા ફેલાવનારા લોકો સાથે યુવાનો જોડાય તે યોગ્ય નથી. આશરે અડધો કલાક ધરણા પ્રદર્શન કર્યા બાદ કાર્યકર્તાઓ પરત ફર્યા હતા.