સત્ય. સાહસ. સંકલ્પ.

અભિષેક શર્માનો રેકોર્ડ: T20માં પહેલા બોલ પર સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્સમેન બન્યા

અભિષેક શર્માનો રેકોર્ડ: T20માં પહેલા બોલ પર સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્સમેન બન્યા

ભારતીય ટીમના યુવા ઓપનર અભિષેક શર્માએ ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ T20 મેચમાં એક ખાસ સિદ્ધિ પોતાના નામે કરી છે. તેમણે ઇનિંગ્સના પહેલા જ બોલ પર છગ્ગો ફટકાર્યો અને T20 ઇન્ટરનેશનલમાં ઇનિંગ્સના પહેલા બોલ પર સૌથી વધુ વખત સિક્સર ફટકારનાર બેટ્સમેન બની ગયા છે.

અભિષેકે આ કારનામું સાતમી વખત કર્યું છે. આ સાથે તેમણે અફઘાનિસ્તાનના શફીકુલ્લાહ શિનવારીનો રેકોર્ડ તોડ્યો છે, જેમણે T20 ઇન્ટરનેશનલમાં છ વખત ઇનિંગ્સના પહેલા બોલ પર છગ્ગો ફટકાર્યો હતો.

આ યાદીમાં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ સામેલ છે. તેમણે પાંચ વખત ઇનિંગ્સના પહેલા બોલ પર છગ્ગો ફટકાર્યો છે. આયર્લેન્ડના પોલ સ્ટર્લિંગ, ન્યૂઝીલેન્ડના કોલિન મુનરો અને UAEના મોહમ્મદ નવીદે ચાર-ચાર વખત આવું કર્યું છે.

અભિષેક પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતા છે. તેઓ ઇનિંગ્સની શરૂઆતથી જ બોલરો પર દબાણ બનાવવાનો પ્રયાસ કરે છે અને તક મળતાં જ બોલને બાઉન્ડ્રીની બહાર પહોંચાડે છે. આ જ કારણ છે કે તેઓ ભારતીય ટીમના મહત્ત્વના બેટ્સમેનોમાં ગણાય છે.

ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ પ્રવાસની શરૂઆત ધમાકેદાર અંદાજમાં કરી છે. ક્રાઇસ્ટચર્ચના હેગલી ઓવલ મેદાન પર રમાયેલી પાંચ મેચોની શ્રેણીની પહેલી T20 મેચમાં ભારતે 226 રનનો લક્ષ્યાંક પાર કર્યો હતો. ન્યૂઝીલેન્ડની ધરતી પર T20 ઇન્ટરનેશનલમાં ભારતનો આ સૌથી મોટો રન ચેઝ છે.