વેસ્ટ ઈન્ડિઝ સામેની તાજેતરની ટી-20 સિરીઝમાં ભારતીય ઓપનર અભિષેક શર્માનું બેટ અપેક્ષા મુજબ ચાલ્યું નહોતું. હવે તે ન્યૂઝીલેન્ડની ધરતી પર 22 ઓક્ટોબરથી શરૂ થનારી પાંચ મેચની ટી-20 સિરીઝમાં આક્રમક બેટિંગ કરવા તૈયાર છે. આ સિરીઝમાં તેની નજર ત્રણ મોટા રેકોર્ડ પર છે.
અભિષેક શર્માએ 2026માં અત્યાર સુધી ટી-20 ક્રિકેટમાં 70 છગ્ગા ફટકાર્યા છે, જે એક કેલેન્ડર વર્ષમાં કોઈ ભારતીય બેટર દ્વારા સૌથી વધુ છે. તેના નામે કુલ 143 ટી-20 છગ્ગા છે. જો તે ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં વધુ સાત છગ્ગા મારે તો તે ભારત માટે ટી-20માં 150 છગ્ગા પૂરા કરનારો ત્રીજો ભારતીય બેટર બનશે. આ યાદીમાં તેનાથી આગળ રોહિત શર્મા (205 છગ્ગા) અને સૂર્યકુમાર યાદવ (179 છગ્ગા) છે.
આ વર્ષે ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અભિષેકનું બેટ જોરદાર રહ્યું છે. તેણે 34 મેચમાં 201.68ના સ્ટ્રાઇક રેટથી 956 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને આઠ અડધી સદીનો સમાવેશ થાય છે. હવે તેને આ વર્ષે 1,000 રન પૂરા કરવા માટે માત્ર 44 રનની જરૂર છે. જો તે આ સિદ્ધિ મેળવે તો સૂર્યકુમાર યાદવ (2022માં 1,164 રન) અને ઈશાન કિશન (2026માં 1,158 રન) પછી આ કરિશ્મો કરનારો ત્રીજો ભારતીય ખેલાડી બનશે.
અભિષેક માત્ર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જ નહીં, પરંતુ આઈપીએલ અને સ્થાનિક ક્રિકેટમાં પણ પ્રભાવ પાડી રહ્યો છે. તેના નામે 217 મેચમાં 32.84ની સરેરાશ અને 178.11ના સ્ટ્રાઇક રેટથી કુલ 6,437 રન છે. ટી-20 ક્રિકેટમાં 6,500 રન પૂરા કરવા તેને હવે માત્ર 63 રનની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે અભિષેકના નામે ટી-20 ક્રિકેટમાં 10 સદી છે, જેનાથી તે વિરાટ કોહલીની બરાબરી કરીને ભારતીય બેટરોમાં સંયુક્ત રીતે પ્રથમ સ્થાને છે. હવે જોવાનું એ રહે છે કે ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં તે કેટલા રેકોર્ડ તોડે છે અને ટીમને કેવી શરૂઆત આપે છે.