દિલ્હીમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી T20 મેચમાં અભિષેક શર્માએ 30 બોલમાં સદી ફટકારીને T20માં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બેટર બનવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેમણે રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો, જેમણે 2017માં ઇન્દોરમાં શ્રીલંકા સામે 35 બોલમાં સદી ફટકારી હતી. ટેસ્ટ રમતા દેશોના કોઈપણ બેટર દ્વારા આ સૌથી ઝડપી T20 સદી છે.
અભિષેકે 34 બોલમાં 108 રનની ઇનિંગ રમી, જેમાં 9 ચોગ્ગા અને 11 છગ્ગા સામેલ હતા. તેમનો સ્ટ્રાઇક રેટ 317.65 રહ્યો. રાશિદ ખાને 9.5 ઓવરમાં તેમને આઉટ કરીને ભારતને પહેલો ઝટકો આપ્યો.
ભારતે પાવરપ્લેમાં વિકેટ ગુમાવ્યા વગર 100 રન બનાવીને પોતાનો સૌથી મોટો પાવરપ્લે સ્કોર બનાવ્યો. 6 ઓવર પછી ભારતનો સ્કોર 100/0 હતો, જેમાં અભિષેક 22 બોલમાં 76 રન અને સંજુ સેમસન 14 બોલમાં 24 રન પર રમી રહ્યા હતા.
મોહમ્મદ નબીની ઓવરમાં ભારતે 29 રન લીધા. સંજુ સેમસને પહેલા બે બોલ પર સતત 2 છગ્ગા ફટકાર્યા, જ્યારે અભિષેકે 2 છગ્ગા અને 1 ચોગ્ગો ફટકાર્યો. અભિષેકે 16 બોલમાં ફિફ્ટી પૂરી કરી. આ ઓવરમાં સેમસનને જીવનદાન પણ મળ્યું, જ્યારે ઇબ્રાહિમ ઝદરાને મિડ-ઓફ પર કેચ ચૂક્યો. સેમસને T20 ક્રિકેટમાં 9000 રન પણ પૂરા કર્યા.
ફઝલહક ફારૂકીની ત્રીજી ઓવરમાં અભિષેકે 2 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકારતા 23 રન લીધા. 3 ઓવર પછી ભારતનો સ્કોર 45/0 હતો અને અભિષેક 13 બોલમાં 42 રન પર પહોંચી ગયો હતો. અઝમતુલ્લાહ ઓમરઝાઈની ઓવરમાં પણ તેમણે 2 છગ્ગા અને 1 ચોગ્ગો ફટકાર્યો, જેમાંથી ભારતને 17 રન મળ્યા.
ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટૉસમાં હાર બાદ કહ્યું કે ટૉસ જીત્યા હોત તો તેઓ પણ પહેલા બેટિંગ કરવાનું પસંદ કરત. તેમણે જણાવ્યું કે યશ ઠાકુરને અર્શદીપ સિંહની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
આ મેચ પિચ નંબર-6 પર રમાઈ રહી છે, જ્યાં પહેલી T20 થઈ હતી. સ્ક્વેરની બંને બાઉન્ડરીની લંબાઈ સરખી નથી — એક તરફ 67 મીટર અને બીજી તરફ 60 મીટર છે, જ્યારે સ્ટ્રેટ બાઉન્ડરી 69 મીટર લાંબી છે.
ટીમ ઇન્ડિયાનો સ્કોર 152/2 છે. ટીમ તરફથી સંજુ સેમસન અને કેપ્ટન શ્રેયસ અય્યર ક્રિઝ પર છે.