સત્ય. સાહસ. સંકલ્પ.

અભિષેક શર્માનો ઐતિહાસિક રેકોર્ડ: 18 બોલમાં ફિફ્ટી, કોહલી-સેમસનને પાછળ છોડ્યા

અભિષેક શર્માનો ઐતિહાસિક રેકોર્ડ: 18 બોલમાં ફિફ્ટી, કોહલી-સેમસનને પાછળ છોડ્યા

રવિવારે ઇન્દોરના હોલકર સ્ટેડિયમ ખાતે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાયેલી ત્રીજી T20 ઇન્ટરનેશનલ મેચમાં યુવા ઓપનર અભિષેક શર્માએ 18 બોલમાં અડધી સદી પૂરી કરીને નવો ઇતિહાસ રચ્યો છે. આ સાથે તે વેસ્ટ ઇન્ડીઝ સામે T20 ઇન્ટરનેશનલમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે.

અભિષેકે 30 બોલમાં 69 રન બનાવ્યા હતા. તેની આ આક્રમક ઇનિંગને કારણે ભારતીય ટીમને શરૂઆતમાં જ મજબૂત પાયો મળી ગયો હતો.

આ પહેલાં વેસ્ટ ઇન્ડીઝ સામે સૌથી ઝડપી ફિફ્ટીનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે હતો. કોહલીએ 2019માં કેરેબિયન ટીમ સામે 21 બોલમાં ફિફ્ટી પૂરી કરી હતી. આ જ શ્રેણીની બીજી T20માં સંજુ સેમસને પણ 21 બોલમાં અડધી સદી ફટકારીને કોહલીની બરાબરી કરી હતી. હવે અભિષેકે 18 બોલમાં આ સિદ્ધિ મેળવીને બંને દિગ્ગજોના રેકોર્ડ તોડી નાખ્યા છે.

અભિષેકે માત્ર ફિફ્ટી પૂરતું જ અટક્યો નથી, પરંતુ તેણે આંતરરાષ્ટ્રીય T20માં 2,000 રન પણ પૂરા કર્યા છે. આ ફોર્મેટમાં 2,000 રન પૂરા કરનાર તે વિશ્વનો સૌથી ઝડપી બેટ્સમેન બન્યો છે. તેણે આ સિદ્ધિ માટે માત્ર 1,024 બોલનો સામનો કર્યો છે, જે આવનારા સમયમાં તોડવો મુશ્કેલ ગણાય છે.

અભિષેકની તોફાની શરૂઆતના આધારે ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 223 રન બનાવ્યા હતા. ભારતીય ઇનિંગમાં અભિષેક એકમાત્ર બેટ્સમેન હતો જેણે અડધી સદી ફટકારી હતી. જવાબમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ 20 ઓવરમાં 209 રન જ બનાવી શકી. કેરેબિયન ટીમ તરફથી એક પણ બેટ્સમેન ફિફ્ટી સુધી પહોંચી શક્યો ન હતો. આખરે ભારતે આ મેચ 14 રનથી જીતી લીધી અને પાંચ મેચોની શ્રેણીમાં 2-1ની સરસાઈ મેળવી.