સત્ય. સાહસ. સંકલ્પ.

ભારત-વેસ્ટ ઈન્ડિઝ ચોથી T20: અભિષેક શર્મા 25 રન બનાવશે તો હૈદરાબાદમાં રચશે ઈતિહાસ

ભારત-વેસ્ટ ઈન્ડિઝ ચોથી T20: અભિષેક શર્મા 25 રન બનાવશે તો હૈદરાબાદમાં રચશે ઈતિહાસ

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પાંચ મેચની T20 શ્રેણી હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી છે. પ્રથમ ત્રણ મેચ પૂરી થયા બાદ ભારત 2-1થી આગળ છે. હવે બંને ટીમો 14 ઓક્ટોબરે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ચોથી T20 રમશે. ટીમ ઈન્ડિયા આ મેચ જીતીને શ્રેણીમાં મજબૂત બઢત મેળવવાનો પ્રયાસ કરશે.

આ મેચમાં ટીમ ઈન્ડિયાના ઓપનર અભિષેક શર્મા માટે એક ખાસ સિદ્ધિની તક છે. રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ પર તેમને T20 ક્રિકેટમાં 1000 રન પૂરા કરવા માટે માત્ર 25 રનની જરૂર છે.

હૈદરાબાદના આ મેદાનના T20 ઈતિહાસમાં અત્યાર સુધી માત્ર પૂર્વ ઓપનર શિખર ધવન જ એવા ભારતીય બેટ્સમેન છે, જેમણે આ મેદાન પર 1,000થી વધુ T20 રન બનાવ્યા છે. જો અભિષેક ચોથી મેચમાં 25 રન બનાવી લે છે, તો તે આ મેદાન પર 1,000 T20 રન પૂરા કરનારો બીજો ભારતીય બેટ્સમેન બની જશે.

હૈદરાબાદમાં અભિષેકનું બેટિંગ પ્રદર્શન આંકડાઓમાં પણ ચમકે છે. તેણે આ મેદાન પર 31 T20 ઈનિંગ્સ રમી છે, જેમાં 975 રન બનાવ્યા છે. તેમનો સ્ટ્રાઈક રેટ 211.03 રહ્યો છે. આ મેદાન પર તેમણે બે સદી અને સાત અડધી સદી ફટકારી છે, સાથે 93 ચોગ્ગા અને 71 છગ્ગા પણ માર્યા છે.

શ્રેણીમાં 2-1થી આગળ રહેલી ભારતીય ટીમ માટે આ મેચ મહત્ત્વની છે, કારણ કે જીત મળે તો શ્રેણીમાં અજેય બઢત બનશે. બીજી તરફ વેસ્ટ ઈન્ડિઝ પણ શ્રેણીમાં પાછા ફરવા માટે આ મેચમાં ખાસ તૈયારી કરી રહી છે.

(તસવીર સૌજન્ય: PTI/X)