દિલ્હી કેપિટલ્સના યુવા વિકેટકીપર-બેટ્સમેન અભિષેક પોરેલની ક્રિકેટના મેદાન પર વાપસી થઈ છે. રેપના ગંભીર આરોપોમાં ધરપકડ થયા બાદ જામીન મળતાં જ તેને ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB) દ્વારા જાહેર કરાયેલી સીનિયર ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
સુદીપ ચેટર્જીની કેપ્ટનશીપ હેઠળની બંગાળ ટીમ અસમ સામે ગુવાહાટીના ACA સ્ટેડિયમમાં પ્રેક્ટિસ મેચ રમવા માટે 30 સપ્ટેમ્બરે કોલકાતાથી રવાના થશે અને 6 ઓક્ટોબરે પરત ફરશે. આ સ્ક્વોડમાં પસંદગીકારોએ અભિષેક પોરેલનો સમાવેશ કર્યો છે.
અભિષેક પોરેલ પર એક મેડિકલ વિદ્યાર્થિનીએ લગ્નના ખોટા વચન પર રેપ અને ગુનાહિત ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો. કોલકાતા પોલીસે 11 ઓગસ્ટે તેની ધરપકડ કરી હતી, જેના કારણે તેણે આશરે 4 અઠવાડિયા સુધી ન્યાયિક કસ્ટડીમાં રહેવું પડ્યું હતું. કોર્ટમાંથી 18 સપ્ટેમ્બરે જામીન મળ્યા બાદ તે જેલમાંથી બહાર આવ્યો હતો.
ઓગસ્ટ મહિનામાં જ્યારે અભિષેક પોરેલ પોલીસ કસ્ટડીમાં હતો ત્યારે CAB દ્વારા તેને પ્રી-સીઝન સંભવિત ખેલાડીઓની યાદીમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. જોકે, રણજી ટ્રોફીની લાંબી સીઝન અને મલ્ટી-ડે ફોર્મેટમાં અનુભવી સ્પેશિયાલિસ્ટ વિકેટકીપરની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પસંદગીકારોએ તેને ટીમમાં લીધો છે, જેથી તે પોતાની મેચ ફિટનેસ હાંસલ કરી શકે.
બંગાળની ટીમમાં જગ્યા મળી ગઈ હોવા છતાં અભિષેક પોરેલ સામેનો કાનૂની કેસ કોર્ટમાં ચાલુ છે. BCCIના કડક નિયમો અને ફ્રેન્ચાઈઝીની બ્રાન્ડ વેલ્યૂને જોતાં તેનું આગામી સમયમાં IPL રમવું કોર્ટના ફેંસલા અને તેના પ્રદર્શન પર નિર્ભર રહેશે.