સત્ય. સાહસ. સંકલ્પ.

જેલમાંથી છૂટ્યા બાદ અભિષેક પોરેલે ફટકારી સદી, મેદાન પર જ ભાવુક થઈ ગયો

જેલમાંથી છૂટ્યા બાદ અભિષેક પોરેલે ફટકારી સદી, મેદાન પર જ ભાવુક થઈ ગયો

બંગાળના યુવા વિકેટકીપર-બેટ્સમેન અભિષેક પોરેલે મુશ્કેલ સમયમાંથી પસાર થયા બાદ રણજી ટ્રોફીમાં જોરદાર વાપસી કરી છે. 2026-27 સીઝનની પ્રથમ મેચમાં તેમણે દિલ્હી સામે સદી ફટકારી હતી. સદી પૂરી થતાં જ તે ભાવુક થઈ ગયા અને પીચ પર જ રડી પડ્યા હતા.

24 વર્ષીય પોરેલે બળાત્કાર અને ગુનાહિત ધમકીના કેસમાં 36 દિવસ જેલમાં વિતાવ્યા બાદ જામીન મેળવ્યા હતા. જામીન પર છૂટ્યા બાદ ક્રિકેટ એસોસિયેશન ઓફ બંગાળે તેમને રણજી ટ્રોફીની પહેલી મેચ માટે ટીમમાં સામેલ કર્યા હતા.

એલીટ ગ્રુપ-C મેચના બીજા દિવસે પોરેલે દિલ્હી સામે લડાયક સદી ફટકારીને તેમના ટીકાકારોને યોગ્ય જવાબ આપ્યો. પાંચમા નંબરે બેટિંગ કરવા આવેલા પોરેલે માત્ર 137 બોલમાં 11 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી સદી પૂરી કરી. દિવસની રમતના અંતે તે 114 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે સદીકાર સુદીપ કુમાર ઘરામી સાથે ચોથી વિકેટ માટે 199 રનની અતૂટ ભાગીદારી કરી હતી.

પોરેલ 2026ની આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ માટે પણ રમ્યો હતો. તેમના માટે છેલ્લા કેટલાક મહિના પડકારજનક રહ્યા છે. 11 ઓગસ્ટ, 2026ના રોજ તેમની બળાત્કાર અને ગુનાહિત ધમકીના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. કર્ણાટકની એક મેડિકલ વિદ્યાર્થીનીની ફરિયાદના આધારે આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં આરોપ હતો કે બંને સાડા ત્રણ વર્ષથી સંબંધમાં હતા અને લગ્નનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ બાદમાં વિવાદને કારણે તેમણે ઇનકાર કરી દીધો હતો. આશરે 36 દિવસની કસ્ટડી બાદ ચુંચુરા કોર્ટે તેમને નિયમિત જામીન આપ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, કાનૂની પ્રક્રિયા હજુ ચાલી રહી છે અને આરોપો સાબિત થયા નથી. ક્રિકેટ જગતમાં તેમની આ વાપસીને ખેલાડીની માનસિક મજબૂતી તરીકે જોવામાં આવી રહી છે.