બળાત્કારના આરોપોનો સામનો કરી રહેલા ક્રિકેટર અભિષેક પોરેલની બંગાળની સિનિયર ટીમમાં વાપસી થઈ છે. કોર્ટમાંથી જામીન મળ્યાના 11 દિવસ બાદ તેને આસામ સામેની પ્રેક્ટિસ મેચ માટે ટીમમાં સ્થાન મળ્યું છે.
બંગાળની ટીમ 2 ઓક્ટોબરથી ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં આસામ સામે પ્રેક્ટિસ મેચ રમશે. આ મેચ રણજી ટ્રોફીની તૈયારી માટે યોજાઈ છે. બંગાળની ટીમ 30 સપ્ટેમ્બરે કોલકાતાથી ગુવાહાટી રવાના થશે.
30 જૂને એક મેડિકલ વિદ્યાર્થિનીએ પોરેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોરેલે આરોપોને નકારી કાઢ્યા છે. કોર્ટે 18 સપ્ટેમ્બરે તેને જામીન આપ્યા હતા. ધરપકડ બાદ તે લગભગ 36 દિવસ જેલમાં રહ્યો હતો. મામલો હાલ કોર્ટમાં વિચારાધીન છે.
અભિષેક પોરેલ 2026-27ની હોમ સીઝન માટે જાહેર કરાયેલી બંગાળની સિનિયર ટીમના સંભવિત ખેલાડીઓની યાદીમાં સામેલ નહોતો. બંગાળનું રણજી ટ્રોફી અભિયાન 11 ઓક્ટોબરથી શરૂ થશે. ટીમની પ્રથમ મેચ દિલ્હી સામે કલ્યાણીમાં રમાશે. જોકે, અભિષેકને પ્લેઇંગ-11માં સામેલ કરવામાં આવશે કે નહીં તે હજુ નક્કી થયું નથી.
અભિષેક પોરેલ પર એક કોલેજ વિદ્યાર્થિનીએ બળાત્કાર, લગ્નનું વચન આપીને યૌન સંબંધ બાંધવા અને ગુનાહિત ધમકી આપવાના આરોપો લગાવ્યા હતા. આ મામલે 11 ઑગસ્ટે ધરપકડ બાદ પોરેલને કોર્ટમાં રજૂ કરાયો અને 3 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલાયો. 14 ઑગસ્ટે પોલીસ કસ્ટડી પૂરી થયા બાદ જામીન ન મળતાં કોર્ટે તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો.
અભિષેક પહેલાં યશ દયાલ, શિવાલિક શર્મા અને વિપરાજ નિગમ જેવા ક્રિકેટરો પર પણ બળાત્કારના આરોપો લાગ્યા છે. BCCIએ તેમને ખેલાડીઓ તરીકે શિસ્ત જાળવવાની સૂચના આપી છે.
પોરેલે IPL 2026માં દિલ્હી કેપિટલ્સ માટે માત્ર ચાર મેચ રમી હતી. ત્યારથી તે કોઈ સ્પર્ધાત્મક ક્રિકેટ રમ્યો નથી. આસામ સામેની પ્રેક્ટિસ મેચ તેના માટે લાંબા વિરામ બાદ મેદાન પર પરત ફરવાની તક હશે.