કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એટલે કે સેન્સર બોર્ડ માટે નવા 18 સભ્યોની પેનલની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતી ફિલ્મમેકર અભિષેક જૈન અને ગુજરાતી કલાકાર મનોજ જોશીનો પણ સમાવેશ થાય છે. તેમનો કાર્યકાળ 3 વર્ષનો રહેશે.
સેન્સર બોર્ડના સભ્ય તરીકે પસંદગી થઇ ત્યારે અભિષેક જૈન મુંબઇમાં એક મિટિંગમાં હતા. મિટિંગ પૂરી થયા પછી તેમણે ફોનમાં મેસેજ જોયા. જેમાં લખ્યું હતું કે કોંગ્રેચ્યુલેશન્સ અને 18 લોકોના નામની યાદી હતી. એ દિવસને યાદ કરતાં અભિષેકે કહ્યું, 'એ બધા મેસેજ વાંચીને ખ્યાલ આવ્યો કે એક મોટી જવાબદારી માથે આવી છે. આવી જવાબદારી માટે મને યોગ્ય ગણવામાં આવ્યો એ બદલ ગૌરવ અને સન્માનની લાગણી થઇ, સાથે જ જવાબદારીના ભારનો પણ અહેસાસ થયો. જે હજુ ચાલી રહ્યો છે.'
સેન્સર બોર્ડમાં થયેલી નિમણૂકને અભિષેક સન્માનની સાથોસાથ પડકાર પણ માને છે. તેમનું કહેવું છે કે, 'મારા માટે આ સન્માન છે કારણ કે મારી 15 વર્ષની કારકિર્દી છે અને 40 વર્ષની ઉંમર છે. જો મને આ જવાબદારી આપી છે તો કંઇક જોઇને જ આપી હશે એટલે હું એનું ગૌરવ અનુભવું છું પણ સાથે સાથે પડકાર તો છે જ. કારણ કે ફિલ્મમેકર તરીકે તમે એકબાજુ ફિલ્મો પણ બનાવવા માગો છો બીજીબાજુ તમારાથી ઘણાં વધુ વર્ષોનો અનુભવ લઇને આવતાં વ્યક્તિની ફિલ્મ પણ જોવાની છે. તેને એક નિર્ણય કે સર્ટિફિકેશન આપવાનું છે એટલે તે એક પડકાર છે.'
ફિલ્મ ડિરેક્ટરની ખુરશી પરથી સેન્સર હોલમાં બેસવાના બદલાવ વિશે વાત કરતાં તેમણે કહ્યું, 'આ બહુ જ યોગ્ય નિર્ણય છે. એક ફિલ્મમેકર બન્ને પાસાં જોઇ શકે છે. એક તરફ ક્રિએટિવ ફ્રીડમ અને બીજી તરફ રાષ્ટ્રીય અખંડિતતા તથા સામાજિક સજાગતા. ફિલ્મ બનાવતી વખતે ડિરેક્ટર બહુ ગળાડૂબ હોય છે અને એનો ઓબ્જેક્ટિવ વ્યૂ નથી હોતો. મેં સર્વોત્તમ બનાવ્યું છે અને હું કોઇને ઠેસ નથી પહોંચાડતો તેવું લાગે. બધાના ઇરાદા બહુ સારા જ હોય છે પણ બહારથી ઓબ્જેક્ટિવલી જોતાં વ્યક્તિ માટે અલગ હોય છે. બન્ને પરિસ્થિતિમાં બેસીને કોઇ ફિલ્મને જોવી તે મને લાગે છે કે બહુ જ યોગ્ય અને બહુ સારો નિર્ણય છે. તેથી કોઇ ફિલ્મમેકરને આ જગ્યાએ બેસાડવો એ બહુ સારો નિર્ણય છે.'
ફિલ્મ ક્ષેત્રે કામ કરતી વ્યક્તિને સેન્સર બોર્ડમાં સ્થાન મળવાથી શું ફાયદો થઇ શકે તે અંગે તેમનો મત છે કે, 'હું મારા સ્વાર્થથી જોઉં ને તો ઘણી બધી ફિલ્મો અને અલગ-અલગ દૃષ્ટિકોણ જોવાનો મોકો મળશે. સતત કાર્યરત હોવાના કારણે આટલી ફિલ્મો જોવાનો મોકો મળતો નથી. અનુભવી ફિલ્મમેકર્સ પાસેથી એકેડેમિકલી ઘણું શીખવા મળશે. આ ઉપરાંત સરકાર (માહિતી અને પ્રસારણ મંત્રાલય) ફિલ્મોને કઇ રીતે જુએ છે અને ક્રિએટિવ ફ્રીડમની મર્યાદા શું હોવી જોઇએ એ સમજવાની તક મળશે.'
તેમને લાગે છે કે કોઇ સીનમાં ફેરફાર કે કાપકૂપ કરવાનું કહેવામાં આવે ત્યારે એ ક્ષણ બહુ મુશ્કેલ હોય છે. ફિલ્મ મેકિંગ ખૂબ સબ્જેક્ટિવ છે. જો કોઇ ફેરફાર કરવાનું કહે તો મારે એમની વાત માનવી પડે અથવા મારો દૃષ્ટિકોણ રજૂ કરીને તેમને મારી વાત મનાવવી પડે કે આ સીન શા માટે જરૂરી છે.
ફિલ્મમેકર તરીકે સેન્સર બોર્ડ સાથેના અનુભવની વાત કરતાં તે જણાવે છે કે, '2012માં પહેલી ફિલ્મ 'કેવી રીતે જઈશ' વખતે હું બહુ નર્વસ હતો, પણ પછી મને સમજાયું કે સેન્સર કમિટી એ ફિલ્મ માટેની પહેલી ઓડિયન્સ છે. પોઝિટિવ માઇન્ડ સેટથી જોઇએ તો તેમનાં રિએક્શન અને સૂચનો સામાન્ય જનતા જેવાં જ હોય છે. જેમાંથી ઘણું શીખવા અને સમજવા મળે છે.'
કોઇ ફિલ્મના સીન કાયદાકિય રીતે વાંધાજનક ન હોય પણ સમાજના એક વર્ગને તેની વાંધો હોય તો શું કરવું જોઇએ આ અંગે તેઓ કહે છે કે, 'ફિલ્મો લોકો સુધી પહોંચવા માટે બને છે. જો બહુમતીને વાંધો ન હોય અને કોઇ નાના વર્ગને વાંધો હોય તો થોડા ઘણા ફેરબદલ કરી શકાય અથવા સ્પષ્ટ ડિસ્ક્લેમર આપી શકાય કે આ નામ કે સીન સાથે કોઇ જ્ઞાતિ, સમાજ કે વર્ગની લાગણી દુભાવવાનો કોઇ આશય નથી. આટલી ક્લેરિટી હોવી જોઇએ.'
જો કોઇ ફિલ્મમેકર એમ કહે કે મારી વાર્તા આ સીન વગર અધૂરી છે તો સેન્સર બોર્ડ એમાં શું કરશે? એ સવાલના જવાબમાં તેમણે ઉમેર્યું કે, 'આ સબ્જેક્ટિવિટી અને ઓબ્જેક્ટિવિટીનો સવાલ છે. જો CBFC કોઇ સીન હટાવવાનું કહે તો તેમની પાસે