ભારતીય વાયુસેનાના પૂર્વ ગ્રુપ કેપ્ટન અને વીર ચક્ર વિજેતા અભિનંદન વર્તમાને નિવૃત્તિ લઈને ખાનગી એરલાઈન FLY91 સાથે જોડાયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેમણે 31 માર્ચ 2026ના રોજ વાયુસેના છોડી હતી. ત્યારબાદ ઓગસ્ટમાં તેઓ પ્રાદેશિક એરલાઈન FLY91 સાથે જોડાયા. આ એરલાઈનમાં તેઓ કોમર્શિયલ પેસેન્જર વિમાનના પાયલટ તરીકે ફરજ બજાવશે.
અભિનંદન વર્તમાન 27 ફેબ્રુઆરી 2019ના રોજ ત્યારે ચર્ચામાં આવ્યા હતા, જ્યારે તેમણે પાકિસ્તાની ફાઈટર જેટ F-16 તોડી પાડ્યું હતું. આ દરમિયાન તેમનું MiG-21 વિમાન મિસાઈલની ઝપેટમાં આવી ગયું હતું, જેના કારણે તેમને ઇજેક્ટ થઈને પાકિસ્તાનના કબજા હેઠળના વિસ્તારમાં ઉતરવું પડ્યું હતું. પાકિસ્તાને તેમને લગભગ 60 કલાક અટકાયતમાં રાખ્યા બાદ 1 માર્ચ 2019ના રોજ ભારતને સોંપી દીધા હતા.
યુદ્ધકાળ દરમિયાન બહાદુરી દેખાડવા બદલ અભિનંદનને 2021માં વીર ચક્ર પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ પુરસ્કાર પરમવીર ચક્ર અને મહાવીર ચક્ર પછીનો ત્રીજો સૌથી મોટો યુદ્ધકાલીન વીરતા પુરસ્કાર છે.
અભિનંદનની સેવા વિશે વાત કરીએ તો, તેમણે લગભગ બે દાયકા સુધી વાયુસેનામાં સેવા આપી હતી. હવે તેઓ FLY91 એરલાઈન સાથે જોડાયા છે, જેનો આધાર ગોવા અને હૈદરાબાદમાં છે. આ એરલાઈન માર્ચ 2024માં કોમર્શિયલ ઉડાન શરૂ કરી હતી અને તેનું ધ્યાન નાના શહેરોને હવાઈ સેવા સાથે જોડવા પર છે.
અભિનંદનના જીવનની આ નવી ઇનિંગ્સ ઘણા લોકો માટે પ્રેરણાદાયી છે. વાયુસેનામાંથી નિવૃત્તિ લીધા બાદ તેઓ હવે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે પોતાની કારકિર્દી આગળ વધારશે. નિષ્ણાતોના મતે, સૈન્ય ઉડાનનો અનુભવ ધરાવતા પાયલટોને નાગરિક ઉડ્ડયનમાં કામ કરવા માટે DGCAના નિયમો મુજબ સિવિલ પાયલટ લાઇસન્સ અને જરૂરી તાલીમ લેવી પડે છે.