સત્ય. સાહસ. સંકલ્પ.

અભિનંદન વર્ધમાનનું વાયુસેનામાંથી રાજીનામું: FLY 91 એરલાઇનમાં જોડાયા, જાણો કારણ

અભિનંદન વર્ધમાનનું વાયુસેનામાંથી રાજીનામું: FLY 91 એરલાઇનમાં જોડાયા, જાણો કારણ

મિગ-21થી પાકિસ્તાની F-16 તોડી પાડનાર ફાઇટર પાયલટ અભિનંદન વર્ધમાને 31 માર્ચ 2026ના રોજ ભારતીય વાયુસેનામાંથી રાજીનામું આપ્યું છે. તેમણે ગોવાની પ્રાઇવેટ એરલાઇન કંપની FLY 91 જોઇન કરી છે. સામાન્ય નિવૃત્તિ 2037માં થવાની હતી, પરંતુ તેમણે વહેલું રાજીનામું આપ્યું.

ફેબ્રુઆરી 2019માં બાલાકોટ એરસ્ટ્રાઇક દરમિયાન અભિનંદન નેશનલ હીરો બન્યા હતા. જ્યારે ડોગ ફાઇટમાં F-16 તોડી પાડતી વખતે તેમનું મિગ-21 પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK)માં ક્રેશ થયું હતું. પાકિસ્તાન સેનાએ તેમને પકડી લીધા હતા. ચારેયતરફ દબાણ વચ્ચે 58 કલાક પછી તેઓ ભારતને પરત સોંપવામાં આવ્યા હતા.

આ 58 કલાકની કહાની, ભારત પરત ફર્યા પછી અભિનંદન સાથે શું થયું અને હવે તેમણે પ્રાઇવેટ એરલાઇન કેમ જોઇન કરી છે, તે જાણવા આજના એક્સપ્લેનરમાં વિગતવાર જોઈએ.

14 ફેબ્રુઆરી 2019ના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPFના કાફલા પર આતંકી હુમલો થયો હતો, જેમાં 40 જવાનો શહીદ થયા હતા. 26 ફેબ્રુઆરીની રાત્રે ભારતીય વાયુસેનાએ LoCથી 80 કિમી અંદર પાકિસ્તાનમાં જૈશના આતંકી અડ્ડાઓ તબાહ કરી દીધા હતા.

27 ફેબ્રુઆરીની સવારે પાકિસ્તાને પલટવાર કર્યો. F-16 ફાઇટર જેટ્સે ભારત તરફ ઉડાન ભરી. અભિનંદન ત્યારે શ્રીનગર એરફોર્સ સ્ટેશન પર તૈનાત હતા. 10 વાગીને 02 મિનિટે એક F-16 એ ભારતીય સેનાનું ઓઇલ સ્ટોરેજ ઉડાવવાનો પ્રયાસ કર્યો. ભારત તરફથી સુખોઈ-30 અને મિગ-21 બાયસનને ઉતારવામાં આવ્યા.

‘વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાન - એ રિયલ હીરો' પુસ્તક લખનાર પ્રહલાદ નારાયણ માથુર જણાવે છે કે મિગ-21માં અભિનંદન વર્ધમાન હતા. લગભગ 10:20 વાગ્યે એક F-16નો પીછો કરતા તેમનું વિમાન જમ્મુ-કાશ્મીરના નૌશેરા સેક્ટર પાસે PoKમાં ઘૂસી ગયું.

અભિનંદનને રડાર પર 35 કિમીની અંદર બે F-16ના સંકેત મળ્યા. તેમણે ક્લોઝ કોમ્બેટ મોડ ચાલુ કર્યો. લગભગ 20 હજાર ફૂટની ઊંચાઈએ R-73 મિસાઈલનો લોક-ઓન ટોન સંભળાયો, એટલે કે મિસાઈલ રેન્જની અંદર કોઈ ટાર્ગેટ પર નિશાન સાધી ચૂકી હતી. અભિનંદને વિલંબ કર્યા વિના મિસાઈલ છોડી દીધી. લગભગ 45 સેકન્ડ પછી અન્ય પાકિસ્તાની F-16 માંથી છોડવામાં આવેલી મિસાઈલે અભિનંદનના મિગ-21ને હિટ કર્યું. અભિનંદને પોતાને ઇજેક્ટ કર્યા અને પેરાશૂટથી નીચે ઉતર્યા.

ઘાયલ અભિનંદને કેટલાક ગ્રામજનોનો અવાજ સાંભળ્યો. તેમણે પૂછ્યું- 'આ ભારત છે કે પાકિસ્તાન?' ગ્રામજનોએ કહ્યું- 'ભારત છે.' અભિનંદને કહ્યું- 'ભારત માતા કી જય…જય હિંદ.' ગ્રામજનોએ જવાબ આપ્યો નહીં. પછી અભિનંદને પૂછ્યું- 'આ ભારતનો કયો વિસ્તાર છે?' કેટલાક ગ્રામજનો 'પાકિસ્તાની આર્મી ઝિંદાબાદ'ના નારા લગાવવા લાગ્યા. અભિનંદને સર્વિસ રિવોલ્વર તાણી, તો તેઓ પથ્થર વરસાવવા લાગ્યા.

અભિનંદન સમજી ગયા હતા કે તેઓ પાકિસ્તાનમાં છે. તેમની પાસે કેટલાક ગુપ્ત દસ્તાવેજો હતા. તેમણે હવામાં ફાયર કર્યું અને ભાગવા લાગ્યા. અડધા કિલોમીટર પછી અભિનંદને દસ્તાવેજોને તળાવમાં પલાળીને ખરાબ કરી દીધા અને કેટલાક દસ્તાવેજો ખાઈ ગયા. ગ્રામજનોએ અભિનંદનને પકડીને મારપીટ કરી.

આ પછી પાકિસ્તાની આર્મીના બે અધિકારીઓ પહોંચ્યા અને પૂછપરછ કરી. અભિનંદને જવાબ આપ્યો- 'હું વિંગ કમાન્ડર અભિનંદન, આઈડી નંબર 27981.' અભિનંદનનો ચહેરો ઘાયલ હતો. તેમને આંખે પાટા બાંધીને પાકિસ્તાની યુનિટ લઈ ગયા.

હેડક્વાર્ટરમાં પાકિસ્તાની મેજરે અભિનંદનની પૂછપરછ કરી. જિનીવા સંધિ હેઠળ યુદ્ધ કેદી પાસેથી માત્ર તેનું નામ, સેનામાં પદ અને યુનિટ પૂછી શકાય છે. તેમણે પૂછ્યું- 'તમે કયું વિમાન ઉડાવી રહ્યા હતા? તમારું મિશન શું હતું?' અભિનંદનના જવાબની ખૂબ ચર્ચા થઈ. તેમણે દરેક વખતે કહ્યું- 'આઈ એમ નોટ સપોઝ્ડ ટુ ટેલ યુ ધીસ' (એટલે કે આ હું તમને કહી શકતો નથી.)

આ દરમિયાન અભિનંદનને પકડતો વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યો. પુષ્ટિ થઈ કે તેઓ જીવતા છે અને પાકિસ્તાની સેનાની કસ્ટડીમાં છે. આ પછી ભારત સરકાર સક્રિય થઈ. પાકિસ્તાનને સંદેશ મોકલ્યો કે તે જિનીવા સંધિ મુજબ અભિનંદનને પરત સોંપે.

પાકિસ્તાનમાં તત્કાલીન ભારતીય રાજદૂત અજય બિસારિયાના જણાવ્યા અનુસાર, તેમણે પાકિસ્તાની રાજદૂત દ્વારા તેમની સરકારને સંદેશ મોકલ્યો કે જો અભિનંદનને કંઈ થશે તો તે યોગ્ય નહીં હોય. ભારત સરકારે અન્ય ઘણી રીતે પાકિસ્તાન પર રાજદ્વારી દબાણ બનાવ્યું.

વિદેશ મંત્રાલયે ભારતમાં P5 દેશો - ચીન, ફ્રાન્સ, રશિયા, બ્રિટન અને અમેરિકાના રાજદૂતોને બોલાવ્યા, જેથી તેઓ પાકિસ્તાન પર દબાણ લાવે. પાકિસ્તાન સરકારને અલગ-અલગ દેશોના ફોન આવવા લાગ્યા, જેના કારણે પાકિસ્તાન દબાણમાં આવ્યું અને 58 કલાક પછી અભિનંદનને ભારત પરત સોંપ્યા.

હવે અભિનંદન વર્ધમાને વાયુસેના છોડીને FLY 91 જેવી પ્રાઇવેટ એરલાઇન જોઇન કરી છે. આ નિર્ણય પાછળ તેઓએ કોઈ સત્તાવાર કારણ જણાવ્યું નથી, પરંતુ નિવૃત્ત લશ્કરી અધિકારીઓ માટે પ્રાઇવેટ સેક્ટરમાં જવાનું સામાન્ય માનવામાં આવે છે.