કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અને રાષ્ટ્રીય સંયોજક અભિજિત દીપકેએ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનને હાલ પૂરતું મોકૂફ રાખ્યું છે. પાર્ટીના સાથીઓ સૌરભ દાસ અને આશુતોષ રાંકા જેલમાં હોવાથી અને કાનૂની મુશ્કેલીઓ વધતાં તેમણે આ નિર્ણય લીધો છે. દીપકેએ 16 મિનિટના વીડિયો સંદેશમાં કાર્યકરોને તહેવારો દરમિયાન પરિવાર સાથે સમય વિતાવવા અપીલ કરી હતી.
વીડિયો સંદેશમાં દીપકેએ કહ્યું કે, “હું જોઈ રહ્યો છું કે છેલ્લા કેટલાક દિવસોથી તમે બધા સંઘર્ષ કરી રહ્યા છો. તમે લોકોએ ઘણું સહન કર્યું છે. જે રીતે આખી વ્યવસ્થા તમને દબાવવાનો પ્રયત્ન કરી રહી છે, તે જોતાં હું ભાગ્યશાળી છું કે તમારા જેવા લોકો નિઃસ્વાર્થ ભાવથી સંઘર્ષ કરી રહ્યા છે અને મારા, આશુતોષ તથા સૌરભ સાથે ઊભા છે.”
તેમણે ઉમેર્યું, “મેં શરૂઆતથી જ કહ્યું હતું કે આગળ બાબતો મુશ્કેલ બનશે. આપણને સહેલાઈથી કંઈ કરવા દેવામાં આવશે નહીં. એવું જ થઈ રહ્યું છે. મેં કહ્યું હતું કે થોડા દિવસોમાં પોલીસ આપણી પાછળ લગાવી દેશે, કેસ કરશે, ગમે તે રીતે ફસાવવાનો પ્રયત્ન કરશે. આ બધું જાણતા હોવા છતાં તમે જે હિંમત અને એકતા દાખવી છે તે પ્રશંસનીય છે. હું તમને સલામ કરું છું અને દિલથી આભાર માનું છું.”
કાર્યકરોને પરિવાર સાથે સમય વિતાવવા જણાવતાં તેમણે કહ્યું, “જેટલી મુશ્કેલી સૌરભ દાસ અને આશુતોષ રાંકા માટે છે, તેટલી જ તમારા માટે પણ છે. ઘણા લોકોને રસ્તા પર માર મારવામાં આવ્યો, ડિટેન કરવામાં આવ્યા. આપણા કરતાં આપણા પરિવારો માટે આ વધુ મુશ્કેલ છે, કારણ કે આ નિર્ણય તેમનો નહોતો, આપણો હતો. હું તમામ કોકરોચને અપીલ કરું છું કે થોડા દિવસો માટે તમે તમારા પરિવાર સાથે સમય વિતાવો. તહેવારો આવી રહ્યા છે. છેલ્લા 10-12 દિવસમાં જે કંઈ થયું તેનાથી પરિવાર ખૂબ ચિંતિત છે. સૌરભ અને આશુતોષની જેમ તમારો પરિવાર પણ ચિંતિત હશે. થોડા દિવસ પોતાના પરિવાર સાથે રહો, સ્વજનો સાથે સમય વિતાવો.”
સૌરભ દાસ અને આશુતોષ રાંકાના પરિવારજનો સાથે વાતચીત કર્યાનું જણાવતાં દીપકેએ કહ્યું કે સૌરભની માતાએ તેમનું મનોબળ વધાર્યું છે. બંને સાથીઓ અંગે તેમણે કહ્યું, “જ્યારે તેઓ બહાર આવશે ત્યારે આખો દેશ તેમને સલામ કરશે. જે લોકોને લાગે છે કે સૌરભ અને આશુતોષને જેલમાં પૂરીને ડરાવી દેશે, તો એવું થવાનું નથી. તેઓ જ્યારે બહાર આવશે ત્યારે એ જ સ્મિત સાથે ‘ઈન્કિલાબ ઝિંદાબાદ’ના નારા લગાવતા બહાર આવશે.”
ભાવુક થવા અંગે ટ્રોલર્સને જવાબ આપતાં તેમણે કહ્યું, “હમણાં કેટલાક ટ્રોલર્સ કહેશે કે હું ઈમોશનલ થઈ ગયો છું. જુઓ કેવી રીતે રડાવી દીધો. પણ આપણી ભાવના આપણી નબળાઈ નથી, તાકાત છે. હું ઈમોશનલ એટલા માટે થઈ રહ્યો છું કારણ કે સૌરભ દાસ અને આશુતોષ રાંકા મારા ભાઈ છે, મારો પરિવાર છે. લાગણી એટલા માટે છે કે હું તેમની કાળજી લઉં છું. હું ડરેલો નથી. મને પણ જેલમાં રાખ્યો હતો, પણ હું ડર્યો નથી. મારા મનમાં તેમના માટે પ્રેમ છે અને એ જ મારી તાકાત છે. તમને આ ઈમોશનલ નબળાઈ લાગતી હશે કારણ કે તમે ક્યારેય કોઈની ચિંતા નથી કરી. પ્રેમ અને કરુણા શું છે તે તમને શું ખબર, કેમ કે તમે નફરત ફેલાવો છો. એ નફરત જ તમારી નબળાઈ છે.”